
જૂનાગઢ 14 જૂન (હિ.સ.) રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા શિક્ષણ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને કેશોદ ખાતે વિકસિત ભારત સંમેલન યોજાયું હતું.
શહરેના સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ ખાતે આયોજિત આ સંમેલનમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રનિર્માણ અને દેશહિતના કાર્યો સાથે દેશની શાસનધૂરા સફળતાપૂર્વક સંભાળી છે. ગુજરાતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યા બાદ, દેશના વડાપ્રધાન તરીકે સેવા આપીને તેમણે કુલ મળીને અવિરત ૯૦૦૦થી વધુ દિવસ સુધી જનસેવાનો એક કીર્તિમાન સ્થાપ્યો છે, જે ગુજરાત માટે ગૌરવરૂપ છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનએ ગરીબ અને મધ્યમ વર્ગને કેન્દ્રસ્થાને રાખીને બનાવેલી યોજનાઓના પરિણામે આજે દેશના ૨૫ કરોડથી વધુ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. કોરોના જેવી વિકટ પરિસ્થિતિ બાદ દેશના ૮૦ કરોડથી વધુ લોકોને મફત અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે અને આ યોજનાને આગામી પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવી છે.
સરકારની વિવિધ ઉપલબ્ધિઓનો ચિતાર આપતા મંત્રીએ જણાવ્યું કે, જન ધન યોજના થકી ગરીબોનું નાણાકીય સમાવેશન થયું છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ ૧૨ કરોડથી વધુ શૌચાલય બન્યા છે અને ૫ લાખથી વધુ ગામો ઓડીએફ જાહેર થયા છે. ઉજ્જવલા યોજના હેઠળ ૧૦ કરોડથી વધુ બહેનોને ગેસ કનેક્શન અને નલ સે જલ યોજના દ્વારા ઘર-ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીના વિઝનથી દેશમાં ૩ કરોડથી વધુ મહિલાઓ 'લખપતિ દીદી' બની ચૂકી છે.
ખેડૂતોના કલ્યાણ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ દેશના ખેડૂતોને કરોડો રૂપિયાની સહાય સીધી ખાતામાં ચૂકવવામાં આવી છે. ખાતરની ખરીદી પર માતબર સબસીડી અને ૨૬ કરોડથી વધુ સોઈલ હેલ્થ કાર્ડ આપીને કૃષિ ક્ષેત્રને મજબૂત કરાયું છે. ડિજિટલ ક્રાંતિનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે, આજે ભારતમાં પ્રતિદિન ૬૬ કરોડથી વધુ યુપીઆઈ (UPI) ટ્રાન્જેક્શન થઈ રહ્યા છે, જેની સાથે નાના વેપારીઓ પણ જોડાયા છે. તદુપરાંત, સ્વાસ્થ્ય ક્ષેત્રે ૪૩ કરોડથી વધુ નાગરિકોને 'આયુષ્માન કાર્ડ' હેઠળ આવરી લઈ રૂ. ૧૦ લાખ સુધીની મફત સારવાર સુનિશ્ચિત કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોનું વિશ્લેષણ રજૂ કર્યું હતું. પ્રારંભમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણી, ઉપપ્રમુખ જેઠાભાઈ ચુડાસમા, કેશોદ નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન, તાલુકા પંચાયત પ્રમુખ હર્ષિતાબેન સહિતના મહાનુભાવો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ