
જુનાગઢ 14 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ અને સુશાસનના ૧૨ વર્ષ નિમિત્તે ગુજરાત સરકાર તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ સવારે પ્રગતિપથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રાનો શુભ પ્રારંભ નરસિંહ મહેતા સરોવર ખાતેથી કરવામાં આવ્યો હતો. સાથે જ ઉપરકોટ,જી એમ ઈ આર એસ મેડિકલ હોસ્પિટલ,ધારાગઢ ફિલ્ટર પ્લાન્ટ ની મુલાકાત લીધી હતી.
જૂનાગઢના હાર્દ અને નજરાણા સમાન નરસિંહ મહેતા સરોવર (તળાવ) આજે આધુનિક પર્યટન સ્થળ તરીકે વિકસીને શહેરની ઓળખ બની ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી વિઝનને આગળ વધારતાં આ સરોવરનું ભવ્ય લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું હતું.
મુલાકાતીઓ માટે અહીં વોક-વે, રિંગ રોડ, આઈલેન્ડ, ઘાટ, લેન્ડસ્કેપ ગાર્ડન, ફૂડ ઝોન તેમજ બાળકો માટેનો વિશેષ પાર્ક જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. સાથે સાથે આ સ્થળ બર્ડ ટુરિઝમ કેન્દ્ર તરીકે પણ વિકસ્યું છે, જ્યાં ૧૧૫થી વધુ પ્રજાતિના પક્ષીઓ નિહાળવા મળે છે.
આ તકે માનો ખોળો મિનરાજ શાળા ભવનાથ તથા એમ.જે. ભુવા કન્યા વિદ્યામંદિર, જોષીપરાની બાળાઓ દ્વારા ગુજરાતની આગવી ઓળખ સમાન ગરબાની રજૂઆત થકી રમણીય અને આહલાદક વાતાવરણ સાથે કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યૂટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષ દંડક કલ્પેશભાઈ અજવાણી, કમિશ્નર પ્રભવ જોશી, ડેપ્યુટી કમિશનર ડી.જે. જાડેજા, આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા, કોર્પોરેટરઓ સંજયભાઈ ધોરાજીયા, પ્રવીણભાઈ વાઘેલા, ભાવનાબેન વ્યાસ, ચંદ્રિકાબેન રાખેશિયા, ભાવનાબેન પનારા સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ