નમક ચોરીના ગુનામાં ભચાઉ પોલીસની મોટી કાર્યવાહી: ત્રણ આરોપીઓ ઝડપાયા
કચ્છ, 14 જૂન (હિ.સ.) : ભચાઉ વિસ્તારમાં નોંધાયેલા નમક ચોરીના ગુનામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. મિલ્કત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવા અને આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે ચાલી રહેલા અભિયાન અંતર્ગત ભચાઉ પોલીસે ત્રણ આરોપી
નમક ચોરી કેસમાં પકડાયેલ ત્રણ આરોપીઓ


કચ્છ, 14 જૂન (હિ.સ.) : ભચાઉ વિસ્તારમાં નોંધાયેલા નમક ચોરીના ગુનામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. મિલ્કત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવા અને આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે ચાલી રહેલા અભિયાન અંતર્ગત ભચાઉ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમે આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી. નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન પોલીસ સ્ટાફ સતત પેટ્રોલિંગ અને ગુપ્ત માહિતી એકત્ર કરવાની કામગીરીમાં વ્યસ્ત હતો.

તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ગુનામાં સંડોવાયેલા ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓમાં ભચાઉના જુનાવાડા વિસ્તારમાં રહેતા શામજી ઉર્ફે કિશન રવાભાઈ કોલી, માનસરોવર વિસ્તારના સુલતાન હાસમ કુંભાર તેમજ નાની ચીરઈ ગામના ભરત બચુભાઈ ખટારિયાનો સમાવેશ થાય છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી મળતી માહિતીના આધારે આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

ભચાઉ પોલીસની આ ઝડપી અને અસરકારક કાર્યવાહીને કારણે વિસ્તારમાં મિલ્કત સંબંધિત ગુનાઓ કરતા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ ગુનાખોરીને રોકવા માટે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande