ભુજમાં એલ્યુમિનિયમ વાયરની ચોરીનો પર્દાફાશ: ત્રણ શખ્સો ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત
કચ્છ, 14 જૂન (હિ.સ.) : ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં વધી રહેલી ચોરી અને ગેરકાયદેસર માલસામાનની હેરફેર સામે પશ્ચિમ કચ્છ પોલીસ સતત સક્રિય કામગીરી કરી રહી છે. આવી જ એક સફળ કાર્યવાહીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ આધાર-પુરાવા વગર મોટા પ્રમાણમાં એલ્
કેબલ ચોરી કેસમાં ઝડપાયેલ આરોપીઓ


કચ્છ, 14 જૂન (હિ.સ.) : ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં વધી રહેલી ચોરી અને ગેરકાયદેસર માલસામાનની હેરફેર સામે પશ્ચિમ કચ્છ પોલીસ સતત સક્રિય કામગીરી કરી રહી છે. આવી જ એક સફળ કાર્યવાહીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ આધાર-પુરાવા વગર મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમના વાયરો લઈ જઈ રહેલા ત્રણ શખ્સોને ઝડપી પાડીને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચોરી, લૂંટફાટ તેમજ શંકાસ્પદ મિલ્કતોની હેરફેર રોકવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓ સતત પેટ્રોલિંગ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા ગુનાખોરી પર નજર રાખી રહ્યા છે.

તાજેતરમાં એલસીબીની ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે એક બોલેરો પીકઅપ વાહનમાં એલ્યુમિનિયમના વાયરોના ગુચ્છા ભરી કેટલાક લોકો ભુજ તરફ આવી રહ્યા છે. મળેલી માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી વાહનને રોકી તપાસ કરી હતી. તપાસ દરમિયાન વાહનમાં મોટી માત્રામાં એલ્યુમિનિયમના વાયરો મળી આવ્યા હતા.

પોલીસે જ્યારે વાહનમાં રહેલા વ્યક્તિઓ પાસેથી માલસામાન અંગેના કોઈ બિલ, પરવાનગી કે અન્ય આધાર-પુરાવા માંગ્યા ત્યારે તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. વધુ પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે આ એલ્યુમિનિયમના વાયરો દેવપર અને વિથોણ ગામ વચ્ચે હાઈવે નજીક આવેલી વીજ લાઇનમાંથી કાપી ચોરી કરવામાં આવ્યા હતા. આરોપીઓએ આશરે એક મહિના અગાઉ રાત્રિના સમયે આ ચોરીને અંજામ આપ્યો હોવાની વિગતો પણ સામે આવી છે.

કાર્યવાહીમાં પોલીસે અંદાજે 500 કિલોગ્રામ જેટલા એલ્યુમિનિયમના વાયરો તથા તે લઈ જવા માટે ઉપયોગમાં લેવાયેલ મહિન્દ્રા કંપનીનું પીકઅપ વાહન કબ્જે કર્યું છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. 3.75 લાખ હોવાનું જાણવા મળે છે.

ઝડપાયેલા આરોપીઓમાં ભુજના લખુરાઈ ચાર રસ્તા વિસ્તારનો દાઉદ અબ્દુલ્લા કુંભાર તેમજ નાના અને મોટા વરનોરા ગામના બે યુવકોનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી દાઉદ કુંભાર સામે અગાઉ પણ ચોરી સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે. અન્ય કેટલાક આરોપીઓનો પણ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે, જેના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ કેસમાં સંડોવાયેલા અન્ય બે શખ્સો હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ચોરીના આ નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

આ સફળ કામગીરીથી ભુજ તથા આસપાસના વિસ્તારોમાં ચોરી અને ગેરકાયદેસર ધંધા કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સાથે જ પોલીસે નાગરિકોને પણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે જેથી ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande