
કચ્છ, 14 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂના ગેરકાયદે વેપાર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ગાંધીધામની ટીમે દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને પ્રતિબંધિત વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશન દરમિયાન દારૂ સહિત વાહનો અને અન્ય સામગ્રી મળી કુલ રૂ. 1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાના નેતૃત્વમાં ટીમ દુધઈ પોલીસ મથક વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ભીમાસર-ટપ્પર વિસ્તાર અંગે ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક જાણીતા બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો એક વાડીમાં સંગ્રહ કરીને તેની હેરફેર કરવાની તૈયારી ચાલી રહી છે.
મળેલી માહિતીના આધારે પોલીસે તાત્કાલિક આયોજનબદ્ધ કાર્યવાહી હાથ ધરી અને ટપ્પર ગામની સીમમાં આવેલી એક વાડી પર દરોડો પાડ્યો. દરોડા દરમિયાન સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની હજારો બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. ઉપરાંત દારૂના પરિવહન અને સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા વાહનો પણ કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસે કાર્યવાહી દરમિયાન કિંગફિશર સ્ટ્રોંગ બીયર, એવરગ્રીન રિઝર્વ વ્હિસ્કી, નોબલ નેસ્ટર વ્હિસ્કી, 8 PM સ્પેશિયલ વ્હિસ્કી, ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હિસ્કી, આર.જે. ગ્રીન સ્પેશિયલ વ્હિસ્કી તેમજ વ્હાઈટ લેક જામુન વોડકાની હજારો બોટલો અને ટીન કબજે કર્યા હતા. માત્ર દારૂના જથ્થાની કિંમત અંદાજે રૂ. 79.52 લાખ આંકવામાં આવી છે.
આ ઉપરાંત ઘટનાસ્થળેથી ટેન્ડર વાહન, હાઈવા ડમ્પર, નંબર વગરની બોલેરો ડમ્પર, એક મોટરસાયકલ, મોબાઇલ ફોન અને દારૂના પેકિંગ માટે વપરાતી સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 1,04,07,400 જેટલી થાય છે.
પોલીસે આ કેસમાં અનેક આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જ્યારે કેટલાક શખ્સો દરોડા દરમિયાન અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને પરિવહનમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે દુધઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પૂર્વ કચ્છ પોલીસની આ કાર્યવાહી જિલ્લામાં ગેરકાયદે દારૂના ધંધા સામે મોટી સફળતા માનવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આગામી સમયમાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે સખત કાર્યવાહી ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar