એલપીજી ના વધતા ભાવો સામે ગાંધીધામમાં 'આપ'નો સર્જનાત્મક વિરોધ, સિલિન્ડરની ‘અંતિમયાત્રા’ કાઢી સરકારને ઘેરી
કચ્છ, 14 જૂન (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં રાંધણગેસના સતત વધી રહેલા ભાવોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજે અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વધતી મોંઘવારી અને ઘરેલુ બજેટ પર પડતા વધતા બોજ સામે લોકોનું ધ્યાન દોરવા માટે પાર્ટીના કાર્યકરોએ આજે
રાંધણગેસ naa ભાવવધારા સામે આપ નો વિરોધ


કચ્છ, 14 જૂન (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં રાંધણગેસના સતત વધી રહેલા ભાવોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજે અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વધતી મોંઘવારી અને ઘરેલુ બજેટ પર પડતા વધતા બોજ સામે લોકોનું ધ્યાન દોરવા માટે પાર્ટીના કાર્યકરોએ આજે LPG સિલિન્ડરની પ્રતિકાત્મક અંતિમયાત્રા યોજી સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

શહેરના મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારમાં યોજાયેલા આજના આ વિરોધ કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ હાથમાં બેનરો અને સૂત્રો સાથે રેલી કાઢી હતી. પ્રતિકાત્મક રીતે સિલિન્ડરને અંતિમયાત્રાના સ્વરૂપમાં લઈ જવામાં આવ્યો હતો, જે દ્વારા રાંધણગેસ સામાન્ય પરિવારની પહોંચની બહાર જઈ રહ્યો હોવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રેલી દરમિયાન સરકાર વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી અને ભાવવધારાને તાત્કાલિક રોકવાની માંગ ઉઠાવવામાં આવી હતી.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી LPGના ભાવોમાં થયેલા સતત વધારાના કારણે ગૃહિણીઓ અને સામાન્ય પરિવારોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે. તેમણે કહ્યું કે રોજબરોજની જરૂરિયાતોની વસ્તુઓના ભાવમાં વધારો થતાં મધ્યમ અને ગરીબ વર્ગ માટે ઘર ચલાવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને રસોડાનો ખર્ચ સતત વધી રહ્યો હોવાથી પરિવારોને તેમના માસિક બજેટમાં કાપ મૂકવાની ફરજ પડી રહી છે.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે જનજીવન સાથે સીધા જોડાયેલા આવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સરકાર પૂરતું ધ્યાન આપી રહી નથી. લોકો મોંઘવારીના મારથી પરેશાન છે, પરંતુ તેમની સમસ્યાઓના ઉકેલ માટે અસરકારક પગલાં લેવામાં આવતા નથી. સરકારને લોકોની વાસ્તવિક મુશ્કેલીઓ સમજવાની અને તાત્કાલિક રાહત આપવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.

વિરોધ કાર્યક્રમમાં જોડાયેલા કાર્યકરોએ પણ મોંઘવારી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, ગેસ સિલિન્ડરના ભાવમાં થતા વધારાથી માત્ર શહેરોમાં જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘરેલુ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે અનેક પરિવારોને વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે.

કાર્યક્રમમાં ડો. કાયનાત અંસારી આથા ઉપરાંત નીશાબેન દુદાની, અમૃતભાઈ રાઠોડ, સુનીલ જેઠવાની, અસલમ સૈયદ, જીજ્ઞાશાબેન સોંદરવા, કંચનબેન વાઘેલા, હીરાબેન, અજીબેન, નિર્મલાબેન, ભાવનાબેન ચૌહાણ, મંજુલબેન, રવિભાઈ, નીતીનભાઈ રાસ્તે, દેવજીભાઈ આહીર, દેવાયતભાઈ આહીર અને અમરદીપસિંહ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીધામમાં યોજાયેલા આ અનોખા વિરોધ પ્રદર્શન દ્વારા આમ આદમી પાર્ટીએ LPGના વધતા ભાવોનો મુદ્દો ફરી એકવાર લોકો અને સરકાર સમક્ષ ઉઠાવી ભાવ ઘટાડવાની માંગને વધુ તેજ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande