બાડમેરથી ગુમ થયેલા યુવાનને મુંદરામાં શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું, પશ્ચિમ કચ્છ એલસીબીની સરાહનીય કામગીરી
કચ્છ, 14 જૂન (હિ.સ.) : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ માટે ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન મુસ્કાન’ અંતર્ગત વધુ એક સફળ કામગીરી સામે આવી છે. રાજસ્થાનના બાડમેર જિલ્લાના એક પરિવારે પોતાના ગુમ થયેલા પુત્રની શોધમાં અનેક પ્રયાસો કર્યા બાદ પ
બારમેડ ના યુવકને પરિવાર સાથે મિલન


કચ્છ, 14 જૂન (હિ.સ.) : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ માટે ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન મુસ્કાન’ અંતર્ગત વધુ એક સફળ કામગીરી સામે આવી છે. રાજસ્થાનના બાડમેર જિલ્લાના એક પરિવારે પોતાના ગુમ થયેલા પુત્રની શોધમાં અનેક પ્રયાસો કર્યા બાદ પશ્ચિમ કચ્છ પોલીસની મદદથી તેને સલામત રીતે શોધી કાઢવામાં સફળતા મેળવી છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલા વ્યક્તિઓને શોધી તેમના પરિવારજનો સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મળતી માહિતી મુજબ, રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચૌહટન તાલુકાના સોડીયાર ગામના રહેવાસી અંબારામ મુલારામ ગોદારાનો પુત્ર મોહન અંબારામ ગોદારા કોઈ કારણસર ઘર છોડીને નીકળી ગયો હતો. પરિવાર સાથેનો તેનો સંપર્ક પણ તૂટી ગયો હતો, જેના કારણે પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા. પુત્રની શોધખોળ કરતા તેના પિતા પશ્ચિમ કચ્છના મુંદરા વિસ્તારમાં પહોંચ્યા હતા.

તે દરમિયાન મુંદરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી એલસીબીની ટીમની નજર તેમના પર પડી હતી. પ્રાથમિક પૂછપરછમાં સમગ્ર હકીકત સામે આવતા પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ ઇનપુટ, માનવ સૂત્રો અને સ્થાનિક માહિતીના આધારે મોહનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

એલસીબીના અધિકારીઓ અને કર્મચારીઓએ ટૂંકા સમયમાં જ મુંદરા વિસ્તારમાં તપાસ ચલાવી ગુમ થયેલા મોહનને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ તેને સલામત રીતે તેના પિતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. લાંબા સમય બાદ પુત્રને સામે જોઈ પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા.

આ સમગ્ર કામગીરીમાં એલસીબીના એએસઆઈ પ્રધ્યુમનસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી અને મહેશભાઈ ચૌહાણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની સતર્કતા, ઝડપી કાર્યવાહી અને માનવતાભર્યા અભિગમના કારણે એક પરિવારને ફરીથી પોતાના સ્વજન સાથે મિલનનો આનંદ મળ્યો છે.

પશ્ચિમ કચ્છ પોલીસની આ કામગીરીને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે અને ‘ઓપરેશન મુસ્કાન’ અંતર્ગત ગુમ થયેલા લોકોને તેમના પરિવાર સુધી પહોંચાડવાના પ્રયાસોને વધુ મજબૂતી મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande