
કચ્છ, 14 જૂન (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને રોકવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવતી સઘન કામગીરી દરમિયાન નખત્રાણા તાલુકામાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભુજને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટા કાદિયા ગામ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં બે વ્યક્તિઓને મોટી માત્રામાં એલ્યુમીનીયમ વાયર સાથે ઝડપી લેવામાં સફળતા મળી હતી.
પોલીસ તપાસ દરમિયાન આરોપીઓના કબજામાંથી અંદાજે 150 કિલોગ્રામ જેટલો એલ્યુમીનીયમ વાયર મળી આવ્યો હતો. વાયર અંગે પૂછપરછ કરતા બંને વ્યક્તિઓ કોઈપણ પ્રકારના ખરીદીના બિલ, માલિકીના દસ્તાવેજો અથવા અન્ય આધાર-પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ વાયર મોટા કાદિયા ગામની પશ્ચિમ બાજુ આવેલી સીમમાંથી પસાર થતી એલ્યુમીનીયમ તારની લાઇન નજીકથી લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોતાના કબ્જામાં રાખવામાં આવ્યો હતો.
આ સંજોગોમાં પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી અંદાજે રૂ. 22,500ની કિંમતનો એલ્યુમીનીયમ વાયર જપ્ત કર્યો હતો. સમગ્ર કાર્યવાહી બી.એન.એસ.એસ.ની કલમ-106 હેઠળ કરવામાં આવી હતી અને મુદ્દામાલને કબજામાં લેવામાં આવ્યો હતો. હવે વાયરનો મૂળ સ્ત્રોત, તેની માલિકી અને તેમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ સફળ ઓપરેશન લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમની સાથે એ.એસ.આઈ. વિકેશભાઈ રાઠવા, પી.એચ.સી. લાખાભાઈ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
પોલીસે આ કેસમાં આસીફ હાસમ પીંજારા અને રીઝવાન હાસમ ઠોડીયાને ઝડપી પાડ્યા છે, જ્યારે હુસેન આરબ ઠોડીયા નામનો શખ્સ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ અને શોધખોળની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar