
મહેસાણા, 14 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થાની વર્તમાન સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી તેમજ નાગરિકોની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે જરૂરી મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે માહિતી મેળવવામાં આવી હતી. સાથે જ ગુનાખોરી પર નિયંત્રણ, જાહેર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ સામાજિક સુમેળ જાળવવા માટેના વિવિધ પાસાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
પ્રભારી અધિકારીએ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે વધુ સતર્કતા અને અસરકારક કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા, ગુનાખોરીને રોકવા માટે પેટ્રોલિંગ વધારવા અને કાયદાનું કડક પાલન કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને તે માટે પોલીસ અને જનતા વચ્ચે વધુ સંકલન સ્થાપિત કરવા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લામાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતત કાર્યરત રહે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR