
મહેસાણા, 14 જૂન (હિ.સ.) : રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આરટીઓ મહેસાણા ટીમ દ્વારા ગોજારિયા આઈટીઆઈ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 120થી વધુ વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાના સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સેમિનાર દરમિયાન આરટીઓના અધિકારીઓ દ્વારા માર્ગ સુરક્ષાના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ, નશાની હાલતમાં વાહન ન ચલાવવું, મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો તેમજ નિર્ધારિત ગતિમર્યાદાનું પાલન કરવું જેવા મુદ્દાઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અધિકારીઓએ માર્ગ અકસ્માતોના વધતા બનાવો અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું પાલન કરીને અનેક અકસ્માતો ટાળી શકાય છે. વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક તરીકે માર્ગ સુરક્ષાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવા પણ અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ રોડ સેફ્ટી સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા, જેના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. સેમિનારના અંતે સૌએ માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ વધારવા અને સુરક્ષિત વાહન વ્યવહાર અંગે જાગૃતિ ફેલાવવા માટે ઉપયોગી સાબિત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR