
મહેસાણા, 14 જૂન (હિ.સ.) : વિસનગર એપીએમસી ખાતે ધી કાંસા ખેડૂત ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડ (FPO) તથા ધી કાંસા પીપલ્સ કો.ઓપ. ક્રેડિટ સોસાયટીની નવીન શાખાના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો, સહકારી આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
સમારોહ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓ ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમની આવકમાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખેડૂત ઉત્પાદન સહકારી મંડળી દ્વારા ખેડૂતોને બજાર વ્યવસ્થા, ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય અને વિવિધ સેવાઓનો લાભ મળી રહેશે, જ્યારે ક્રેડિટ સોસાયટીની નવી શાખા ખેડૂતો અને ગ્રામજનોને સરળ નાણાકીય સેવાઓ પૂરી પાડશે.
સાંસદ હરિભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સહકારની ભાવનાથી કાર્યરત સંસ્થાઓ ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો આપી રહી છે. તેમણે ખેડૂતોને સહકારી માળખા સાથે વધુને વધુ જોડાવા અને ઉપલબ્ધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ નવી શાખાના પ્રારંભને ખેડૂતોના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. આ પહેલથી ખેડૂતોને વધુ સુવિધાઓ મળશે અને ગ્રામિણ વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR