
મહેસાણા, 14 જૂન (હિ.સ.) : મહેસાણા શહેરમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કેનાલો અને વરસાદી પાણીના નિકાલના માર્ગોની સફાઈ કરવામાં આવી રહી છે, જેથી વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ટાળી શકાય.
કોર્પોરેશનની ટીમો દ્વારા કેનાલોમાં જમા થયેલો કચરો, કાદવ, ઝાડીઓ અને અન્ય અવરોધો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષોથી જમા થયેલા ગંદકીના થર દૂર થતાં વરસાદી પાણીનો પ્રવાહ સરળ બનશે અને પાણીના ઝડપી નિકાલમાં મદદ મળશે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે અગાઉથી જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. કેનાલોની સફાઈ ઉપરાંત ડ્રેનેજ લાઈન, વરસાદી ગટર અને અન્ય નિકાલ વ્યવસ્થાની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
કોર્પોરેશન દ્વારા નાગરિકોને પણ જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ થતાં શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે અને પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR