
ભાવનગર, 14 જૂન (હિ.સ.) : તાજેતરમાં દેશ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં બનેલી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનાર ૨૧ વ્યક્તિઓને પ્રખ્યાત કથાકાર અને સંત મોરારિબાપુ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. આ દુઃખદ ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા કુલ રૂ. ૩,૧૫,૦૦૦ની સંવેદના સહાય પણ જાહેર કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તાજેતરમાં વિશાખાપટ્ટણમ ખાતે આવેલા લોખંડના કારખાનામાં થયેલા અકસ્માતમાં ૮ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ઉપરાંત વડોદરા જિલ્લાના પાદરા નજીક થયેલા વાહન અકસ્માતમાં અંપાડ ગામના ૪ લોકોના જીવ ગયા હતા. રાજસ્થાનના જયપુર ખાતે ખોનાગોરિયા વિસ્તારમાં ફટાકડાના કારખાનામાં લાગેલી આગમાં ૩ લોકોના મૃત્યુ થયા હતા.
તે ઉપરાંત ભાવનગર-અમદાવાદ માર્ગ પર સનેસ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ભાવનગરના એક યુવાનનું મૃત્યુ થયું હતું. વડોદરા-અમદાવાદ ધોરીમાર્ગ પર બે વાહનો અથડાતા સર્જાયેલી આગની ઘટનામાં મહુવા નજીકના ગામના એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે રાજકોટ-અમદાવાદ ધોરીમાર્ગ પર કુચિયાદળ પાસે રામપર ગામ નજીક બનેલા અકસ્માતમાં ચોટિલા તાલુકાના મોલડી ગામની ૪ મહિલા શ્રમિકોના મોત નિપજ્યા હતા.
આ તમામ દુર્ઘટનાઓમાં કુલ ૨૧ વ્યક્તિઓના અકાળ અવસાનને પગલે શ્રી મોરારિબાપુએ તેમના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. શ્રી ચિત્રકૂટધામ તલગાજરડાની પરંપરા અનુસાર દરેક મૃતકના વારસદારોને રૂ. ૧૫,૦૦૦ લેખે સહાય આપવામાં આવશે. આ મુજબ કુલ રૂ. ૩,૧૫,૦૦૦ની સંવેદના સહાય અર્પણ કરવામાં આવી રહી છે.
મોરારિબાપુએ પ્રાર્થના કરી હતી કે પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA