
પાટણ, 14 જૂન (હિ.સ.)પાટણ તાલુકાની ખાનપુર રાજકુવા પ્રાથમિક શાળામાં સ્વર્ગસ્થ અમથાભાઈ માણેકભાઈ દેસાઈ અને સ્વર્ગસ્થ અમરતભાઈ માણેકભાઈ દેસાઈની પવિત્ર સ્મૃતિમાં, નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના પુત્રો ભરતભાઈ, રાજુભાઈ અને ભાવેશભાઈ દેસાઈ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાની નોટબુકોનું વિતરણ કરી શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન દાતા પરિવારના સભ્યો સાથે ગામના સરપંચ, લગધીરભાઈ દેસાઈ, ઉપસરપંચ અમરતભાઈ દેસાઈ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ સેવાકીય કાર્યને બિરદાવતાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે, શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
શાળાના આચાર્યા ફાલ્ગુનીબેન પટેલે, શાળા અને પરિવાર વતી દાતા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આવા વિદ્યાદાનના કાર્યો, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે છે અને સમાજમાં શિક્ષણનું મહત્વ વધુ મજબૂત બનાવે છે. કાર્યક્રમના અંતે દાતા પરિવાર દ્વારા, બાળકોને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સ્નેહ અને સેવાભાવના વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ