વિશ્વ રક્તદાતા દિવસે પાટણની એસ.કે. બ્લડ બેંકે, રક્તદાતાઓનું સન્માન કર્યું
પાટણ, 14 જૂન (હિ.સ.)વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે પાટણની એસ.કે. બ્લડ બેંક ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્વૈચ્છિક રક્તદાન શિબિરોનું સફળ આયોજન કરનાર આશરે 40 સંસ્થાઓ અને બ્લડ બેંકના સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ર
વિશ્વ રક્તદાતા દિવસે પાટણની એસ.કે. બ્લડ બેંકે રક્તદાતાઓનું સન્માન કર્યું


પાટણ, 14 જૂન (હિ.સ.)વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે પાટણની એસ.કે. બ્લડ બેંક ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્વૈચ્છિક રક્તદાન શિબિરોનું સફળ આયોજન કરનાર આશરે 40 સંસ્થાઓ અને બ્લડ બેંકના સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવાનો અને નિયમિત રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

બ્લડ ગ્રુપ સિસ્ટમના શોધક કાર્લ લેન્ડસ્ટેઈનરના જન્મદિવસ નિમિત્તે, ઉજવાતા આ દિવસ માટે આ વર્ષે વન ડ્રોપ ઓફ હ્યુમેનિટી, ગિવ બ્લડ, સેવ લાઇવ્સ થીમ રાખવામાં આવી હતી. આ થીમ માનવતા, કરુણા અને સામૂહિક જવાબદારીના મૂલ્યોને ઉજાગર કરે છે.

રોટરી ક્લબના પ્રમુખ ડો. પરિમલ જાની અને એસ.કે. બ્લડ બેંકના ટેકનિકલ ઓફિસર ડો. બાબુભાઈ પ્રજાપતિએ, રક્તદાનના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, ઇમર્જન્સી, પ્રસૂતિ, સર્જરી, કેન્સરની સારવાર અને અન્ય ગંભીર બીમારીઓમાં દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવામાં રક્તદાતાઓનું યોગદાન અત્યંત અમૂલ્ય છે.

રોટરી ક્લબ ઓફ પાટણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એસ.કે. બ્લડ બેંક છેલ્લા 50 વર્ષથી પાટણ જિલ્લામાં રક્તસેવાની કામગીરી કરી રહી છે. કાર્યક્રમમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિવ્યેશ પટેલ, જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પિયુષ આચાર્ય, રોટરી ક્લબના ઉપપ્રમુખ જય દરજી, બ્લડ બેંકના ચેરમેન જયરામભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતન પ્રજાપતિએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ ઝેડ. એન. સોઢાએ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande