
સુરત, 14 જૂન (હિ.સ.) : લોકરક્ષક દળ (LRD)ની લેખિત પરીક્ષા દરમિયાન સુરત પોલીસે એક વિદ્યાર્થિનીનું ભવિષ્ય બચાવ્યું હતું. પરીક્ષા આપવા નીકળેલી વિદ્યાર્થિની ભૂલથી ડિંડોલી સ્થિત વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પહોંચી ગઈ હતી. ચકાસણી દરમિયાન તેને ખબર પડી કે તેનું વાસ્તવિક LRD પરીક્ષા કેન્દ્ર કામરેજ રોડ પર આવેલા લસકાણાના જે.બી. કાર્ય વિદ્યાસંકુલ ખાતે છે, જે ત્યાંથી આશરે 18 કિલોમીટર દૂર હતું.
પરીક્ષાનો સમય નજીક હોવાથી વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી હતી. આ દરમિયાન ડિંડોલી પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ તેની સ્થિતિ સમજી તાત્કાલિક સરકારી વાહનની વ્યવસ્થા કરી હતી. વિદ્યાર્થિનીને આશ્વાસન આપી સરકારી વાહનમાં બેસાડીને લસકાણા તરફ રવાના કરવામાં આવી હતી.
પોલીસના સમયસૂચક પ્રયાસોના કારણે વિદ્યાર્થિની સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકી હતી. પરીક્ષા આપી શકતાં તેણે અને તેના પરિવારજનોએ સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાની સોશિયલ મીડિયા પર પણ વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે