
ગાંધીનગર, 14 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં થયેલા અભૂતપૂર્વ વિકાસકાર્યોમાં અમદાવાદ સ્થિત ‘ગુજરાત સાયન્સ સિટી’ એક ગૌરવશાળી અને પ્રેરણાદાયી સિદ્ધિ તરીકે ઉભરી આવ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના વડાપ્રધાનના વિઝનના પરિણામે આજે ગુજરાત સાયન્સ સિટી દેશના અગ્રણી વિજ્ઞાન કેન્દ્રોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આ કેન્દ્ર આજે જ્ઞાન, નવીનતા અને પ્રગતિનું વૈશ્વિક પ્રતિક બન્યું છે.
વર્ષ 2006 થી મે-2026 સુધીમાં અંદાજે 1.43 કરોડથી વધુ વિજ્ઞાન પ્રેમીઓ તેમજ વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત કરીને વિજ્ઞાનને નજીકથી સમજવાનો, અનુભવવાનો અને શીખવાનો પ્રયત્ન કર્યો છે.
અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીની સ્થાપના તા. 10 ઓગસ્ટ 1999ના રોજ કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલા આધુનિકીકરણ અને વિસ્તરણના ભગીરથ પ્રયાસોથી આ સંસ્થાની વિકાસયાત્રા વધુ વેગવંતી બની હતી. વિજ્ઞાનને માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત ન રખાતા, તેને અનુભવ આધારિત અને રસપ્રદ બનાવવાના અભિગમ સાથે સાયન્સ સિટીને સતત નવી દિશા આપવામાં આવી છે. આજે આ સંસ્થા માત્ર વિજ્ઞાનના પ્રદર્શનનું કેન્દ્ર નથી, પરંતુ વિદ્યાર્થીઓ, સંશોધકો, શિક્ષકો અને પરિવારો માટે પ્રેરણાનું એક સશક્ત માધ્યમ બની ગઈ છે.
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત તા. 09 જાન્યુઆરી 2017ના રોજ 'નોબલ પ્રાઇઝ સિરીઝ'ના કાર્યક્રમમાં અને ત્યારબાદ બીજી વખત તા. 27 સપ્ટેમ્બર 2023ના રોજ 'વાયબ્રન્ટ ગુજરાત'ની સક્સેસ સમિટના કાર્યક્રમ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કેન્દ્રના વૈશ્વિક સ્તરના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ અને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા, જેને આજે ગુજરાત સરકાર સાકાર કરી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાના સતત પ્રયાસોથી આગામી સમયમાં સાયન્સ સિટી ખાતે એવિએશન એન્ડ ડીફેન્સ ગેલેરી, હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી, અનલિશિંગ ધ ડિજિટલ ફ્યુચર ગેલેરી જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના વિજ્ઞાનિક આકર્ષણોનો ઉમેરો થવા જઈ રહ્યો છે.
વિદ્યાર્થીઓ-વિજ્ઞાન પ્રેમીઓ માટેના મુખ્ય આકર્ષણો:-
એક્વેટિક ગેલેરી:
• એક્વેટિક ગેલેરીએ ભારતના સૌથી મોટા માછલીઘરોમાનું એક છે જેમાં 68 ટેન્ક અને 188 પ્રજાતિઓ જોવા મળે છે.
• આ માછલીઘરમાં 11,600 થી વધુ માછલીઓ સાથે શાર્ક પણ જોવા મળે છે અને અહીં 28 મીટર લાંબી 'શાર્ક ટનલ' પણ આવેલી છે.
• આ ગેલેરીમાં ઇન્ડિયન ઝોન, એશિયન ઝોન અને આફ્રિકન ઝોન સહિત 10 વિવિધ દરિયાઈ વિસ્તારોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, અહીં આફ્રિકન પેન્ગ્વિનનું આકર્ષક પ્રદર્શન તથા આધુનિક 5D થિયેટરની સુવિધા પણ ઉપલબ્ધ છે.
*એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી*
• આ ગેલેરીનું નિર્માણ 12,797 ચોરસ મીટરના વિસ્તારમાં સોલાર સિસ્ટમ આધારિત કરવામાં આવ્યું છે.
• આ ગેલેરીમાં 172 બેઠકો ધરાવતું હાઇબ્રિડ પ્લેનેટોરિયમ, સ્પેસ ઓબ્ઝરવેશન માટે ટેલિસ્કોપવાળું ખાસ કેન્દ્ર અને 150 થી વધુ અદભૂત પ્રદર્શનો આવેલા છે.
રોબોટિક્સ ગેલેરી
• 11,000 ચોરસ મીટરમાં ફેલાયેલી આ ગેલેરીમાં 79 પ્રકારના કુલ 202 રોબોટ્સ જોવા મળશે.
• આ ગેલેરીમાં માનવ જેવા દેખાતા 'હ્યુમનોઇડ રોબોટ્સ', એક અદભુત VR/AR ગેલેરી અને એક રોબો કાફે આવેલું છે, જ્યાં રોબોટ શેફ દ્વારા ભોજન બનાવવામાં આવે છે અને રોબોટ વેઇટર્સ દ્વારા ભોજન પીરસવામાં આવે છે.
આઇમેક્સ 3D થિયેટર
• આ થિયેટરમાં રોમાંચક 3D અનુભવ માણી શકાય છે.
• થિયેટરમાં હબલ 3D, સ્પેસ સ્ટેશન, મેગ્નિફિસન્ટ ડિઝોલેશન: વોકિંગ ઓન ધ મૂન અને ટી-રેક્સ: બેક ટુ ધ ક્રિટેશિયસ જેવી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવે છે.
*મલ્ટીમીડિયા લેસર અને ફાઉન્ટેન શો*
• આ મ્યુઝિકલ ફાઉન્ટેનમાં 36×16 મીટરની વોટર સ્ક્રીન અને 16×9 મીટરની બે સ્ક્રીનનો ઉપયોગ કરીને, 70 મીટરના આકર્ષક 3D પ્રોજેક્શન દ્વારા એક અદભૂત અનુભવ આપવામાં આવે છે.
પ્લેનેટ અર્થ
• આ ગેલેરી મુલાકાતીઓને કુદરતી આપત્તિઓ જેમ કે ભૂકંપ અને જ્વાળામુખી, માનવ શરીરની રચના, જૈવવિવિધતા અને પૃથ્વી પર જીવનના વિકાસ વિશે રસપ્રદ માહિતી આપે છે.
• આ સાથે જ જમીનની અંદર આવેલી કોલસાની ખાણ અને એક 4D થિયેટર પણ અહી જોવા મળશે.
નેચર પાર્ક
• ૨૦ એકરમાં ફેલાયેલા આ પાર્કમાં વૉકિંગ અને જોગિંગ ટ્રેક, મિસ્ટ ફોરેસ્ટ -ધુમ્મસભર્યું જંગલ, બટરફ્લાય ગાર્ડન, ઓપન જીમ, ચેસ અને યોગા ગાર્ડન જેવી સુવિધાઓ આવેલી છે.
• અહીં લુપ્ત થઈ ગયેલા પ્રાણીઓના 15 શિલ્પો પણ મૂકવામાં આવ્યા છે, જેમાં મેમથ, ટેરર બર્ડ અને સેબર ટૂથ લાયન જેવા જીવોનો સમાવેશ થાય છે.
એનર્જી એજ્યુકેશન પાર્ક
• આ પાર્ક ઊર્જા સંરક્ષણ અને ઘટતા જતા સંસાધનો વિશે મુલાકાતીઓમાં જાગૃતિ ફેલાવે છે.
• અહીંના પ્રદર્શનો પ્રાચીન ભારતીય ફિલસૂફીના પાંચ મૂળભૂત તત્વો તેજ, મરુત, અપ, ક્ષિતિ અને વ્યોમ પર આધારિત છે.
લાઇફ સાયન્સ પાર્ક
• આ પાર્કમાં એક નદી પ્રણાલી, બટરફ્લાય પાર્ક,પક્ષીઘર, ઉડી ન શકે તેવા પક્ષીઓનું કેન્દ્ર અને એક ટિશ્યુ કલ્ચર લેબ આવેલી છે.
હોલ ઓફ સાયન્સ અને હોલ ઓફ સ્પેસ
• હોલ ઓફ સાયન્સ એક વિશાળ ઓપન લેબોરેટરી છે, જ્યાં મુલાકાતીઓ જાતે પ્રયોગો કરીને પ્રકાશ, દ્રષ્ટિ, ગતિવિજ્ઞાન અને ધ્વનિના સિદ્ધાંતોને રસપ્રદ રીતે સમજી શકે છે.
• હોલ ઓફ સ્પેસ: આ વિભાગમાં મુલાકાતીઓ માટે મંગળની રોમાંચક સફરનો અનુભવ કરાવતી મિશન ટુ માર્સની ખાસ સિમ્યુલેટેડ રાઇડ આવેલી છે.
સાયન્સ સિટીની વિકાસયાત્રાના નવા સીમાચિહ્નો:
સાયન્સ સિટીની વૈશ્વિક લોકપ્રિયતા અને વૈજ્ઞાનિક સમૃદ્ધિમાં વધારો કરવા પ્રથમ તબક્કામાં બે નવી ભવ્ય ગેલેરીઓ નિર્માણધીન છે જે વિજ્ઞાન જગતમાં ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન હશે.
એવિએશન એન્ડ ડિફેન્સ ગેલેરી:
આ ગેલેરી દ્વારા મુલાકાતીઓને દેશની આધુનિક રક્ષા તકનીકો, સેનાના શસ્ત્રો, ઉડ્ડયન વિજ્ઞાન (Aviation) અને આકાશમાં માનવીની હરણફાળનો રોમાંચક અનુભવ મળશે.
હ્યુમન એન્ડ બાયોલોજિકલ સાયન્સ ગેલેરી:
આ ગેલેરી માનવ શરીરની જટિલ આંતરિક રચના, બાયોલોજીકલ વિજ્ઞાનના વિવિધ પાસાઓ અને ભવિષ્યની તબીબી અને વૈજ્ઞાનિક સંભાવનાઓ વિશે અત્યંત ઇન્ટરેક્ટિવ ડિજિટલ માધ્યમો દ્વારા જ્ઞાન આપશે.
મુલાકાતીઓ માટે અન્ય આકર્ષણ
વિજ્ઞાન ભવન એ એક સંપૂર્ણ એર-કંડિશન્ડ PEB બિલ્ડિંગ છે, જે એલઈડી સ્ક્રીન, વિશાળ સ્ટેજ અને આશરે 5000 પ્રેક્ષકોની બેઠક ક્ષમતા ધરાવે છે. સાયન્સ ડ્રામા અને મેજિક શો માટે ઉપયોગમાં લેવાતું આ 1200 બેઠકોની ક્ષમતા ધરાવતું એક ઓપન-એર થિયેટર આવેલું છે. નોબેલ ડોમ એ આ 500 બેઠકોની ક્ષમતા ધરાવતું એક એર-કંડિશન્ડ બિલ્ડિંગ છે, જે ખાસ કરીને પ્રવાસી એક્ઝિબિશન અને વૈજ્ઞાનિક વર્કશોપ માટે તૈયાર કરવામાં આવ્યું છે.
આ બાળકો માટે ખાસ તૈયાર કરાયેલા ચિલ્ડ્રન એક્ટિવિટી સેન્ટર એ પ્રાયોગિક પ્રવૃત્તિઓ, ભૌતિક વિજ્ઞાનના પ્રયોગો અને રાસાયણિક પ્રક્રિયાઓ શીખવા માટેની એક અનોખી જગ્યા છે. 30 બેઠકો ધરાવતી એક એવી સિમ્યુલેટર થ્રિલ રાઈડર છે, જે મુલાકાતીઓને રોલર કોસ્ટરની સવારી, ડાયનો સફારી અને એરોબેટિક એરક્રાફ્ટ (વિમાન) ઉડાડવાનો રોમાંચક અનુભવ કરાવે છે.
આજે ગુજરાત સાયન્સ સિટી નવા ભારતના વિકાસ વિઝનનું જીવંત ઉદાહરણ છે. દ્રષ્ટિવંત નેતૃત્વ, સુદૃઢ આયોજન અને સતત વિકાસના પરિણામે સાયન્સ સિટીએ જે સફળતાની ગાથા રચી છે, તે ગુજરાત મોડેલની એક ગૌરવશાળી સિદ્ધિ છે. આવનારા સમયમાં નવી ગેલેરીઓ અને આધુનિક પ્રકલ્પો સાથે સાયન્સ સિટી વિજ્ઞાનપ્રસાર અને જનજાગૃતિના ક્ષેત્રમાં વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને લાખો યુવાનોને વિજ્ઞાન તરફ પ્રેરિત કરતી રહેશે તેમ સાયન્સ સિટી, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ