
ભાવનગર, 14 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા પાલીતાણા શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલીતાણા વડીયા રોડ સ્થિત જી.આઇ.ડી.સી. વિસ્તારમાં જાહેર જગ્યાએ લાઇટના અજવાળામાં ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી છ ઇસમોને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ, એલ.સી.બી. પોલીસ સ્ટાફ પાલીતાણા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે કેટલાક લોકો વડીયા રોડ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં જાહેર સ્થળે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેઇડ ગોઠવી સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન છ શખ્સો ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તીનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં પ્રકાશભાઈ નાનજીભાઈ પીપલીયા, કમલેશભાઈ મુકેશભાઈ વાઘેલા, સલીમભાઈ કાસમભાઈ મહેતર, નિલેષભાઈ ઘેલાભાઈ વાઘેલા, વિશાલભાઈ આણંદરામ હરિયાણી અને બાબુભાઈ રામજીભાઈ ગોહિલનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ પાલીતાણા શહેરના વિવિધ વિસ્તારોના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી જુગારમાં ઉપયોગમાં લેવાતા 52 ગંજીપત્તાના પાનાં તેમજ રોકડ રૂપિયા 15,700 મળી કુલ રૂપિયા 15,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી બાદ ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા જાહેર સ્થળોએ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત નજર રાખી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે આવા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA