
પાટણ, 14 જૂન (હિ.સ.) : પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલી મુખ્ય ભૂગર્ભ પંપીંગ સ્ટેશનની કુંડી ફાટી જતાં ગટરનું ગંદુ પાણી નજીકના ખાનગી ખેતરોમાં ફરી વળ્યું છે. રેલ્વે સ્ટેશન અને હંસાપુર સહિતના વિવિધ પંપીંગ સ્ટેશનોનું ગંદુ પાણી એક મુખ્ય ચેમ્બરમાં એકત્ર થઈ બહુચર પંપીંગ સ્ટેશન તરફ મોકલવામાં આવે છે, પરંતુ કુંડી તૂટી જતાં ગંદુ પાણી ખુલ્લામાં વહી રહ્યું છે.
ગંદા પાણીના કારણે ખેતરોમાં મોટો ભરાવો સર્જાયો છે. ખેતરોની બાજુમાંથી પીવાના પાણીની મુખ્ય કેનાલ પસાર થતી હોવાથી જો પાણી વધુ ફેલાશે તો તે કેનાલમાં ભળી જવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનાથી સ્થાનિક લોકો અને ખેડૂતોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા છ મહિનાથી ભૂગર્ભનું ગંદુ પાણી કેનાલમાં પણ જતું રહ્યું છે. આ અંગે નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
આ મુદ્દે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા નગરપાલિકાના સભ્યે સત્તાધીશો અને ચીફ ઓફિસરને સ્થળ પર આવી નિરીક્ષણ કરવાની માંગ કરી છે. સાથે જ ખેડૂતોના ખેતરો અને પીવાના પાણીના સ્ત્રોતને બચાવવા માટે તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ