
છોટાઉદેપુર, 14 જૂન (હિ.સ.) : ખાખી વર્દીની ફરજ સાથે સમાજસેવાનો અનોખો સંદેશ આપતા કદવાલ પોલીસ મથકના જમાદાર નગીનભાઈ રાઠવા અને તેમની ટીમે વધુ એક પ્રશંસનીય કાર્ય કરીને ગ્રામજનોના દિલ જીતી લીધા છે. ૧૪ જૂનના રોજ યોજાયેલ ગુજરાત પોલીસ ભરતી પરીક્ષામાં ભાગ લેવા જતાં ભીલપુર જુથ ગ્રામ પંચાયત વિસ્તારના ૧૯૦ જેટલા પરીક્ષાર્થીઓ માટે સુરત પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા બે નિઃશુલ્ક બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગ્રામીણ વિસ્તારના અનેક યુવાનો આર્થિક સંજોગો અને વાહન વ્યવહારની અછતને કારણે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવે છે. આવા વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે અને તેઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે જમાદાર નગીનભાઈ રાઠવાએ વ્યક્તિગત રસ દાખવી સમગ્ર આયોજન હાથ ધર્યું હતું. આજરોજ તમામ પરીક્ષાર્થીઓને સુવ્યવસ્થિત રીતે બે બસોમાં સુરત તરફ રવાના કરવામાં આવ્યા હતા.
આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે શિક્ષક કાળુભાઈ સી., સામાજિક કાર્યકર વિપિનભાઈ રાઠવા તેમજ પોલીસ કર્મચારી લક્ષ્મણભાઈ રાઠવાએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પરીક્ષાર્થીઓની નોંધણી, બેઠક વ્યવસ્થા, પ્રવાસ દરમિયાન જરૂરી સુવિધાઓ સહિતનું સમગ્ર માઇક્રો પ્લાનિંગ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
કદવાલ પોલીસ મથકના જમાદાર નગીનભાઈ રાઠવા અગાઉ પણ અનેક સામાજિક અને જનહિતના કાર્યો માટે જાણીતા રહ્યા છે. તેમની આ પહેલથી પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
પોતાના સંતાનોને પોલીસ ભરતી પરીક્ષા માટે સુરક્ષિત રીતે રવાના થતા જોઈ પરીક્ષાર્થીઓના વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. ગ્રામજનોએ નગીનભાઈ રાઠવા અને તેમની ટીમના આ સેવાભાવી કાર્યની પ્રશંસા કરી તમામ પરીક્ષાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય અને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
વર્દી સાથે માનવતાની સેવા
કદવાલ પોલીસ મથકના જમાદાર નગીનભાઈ રાઠવાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જ નહીં, પરંતુ સમાજના યુવાનોના ભવિષ્ય ઘડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ૧૯૦ પરીક્ષાર્થીઓ માટે નિઃશુલ્ક બે બસો ની વ્યવસ્થા કરીને તેમણે માનવતા અને લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ