
વલસાડ, 14 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ દમણથી સુરત તરફ હોન્ડા સિવિક કારમાં લઈ જવાતો ₹1.22 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કાર, દારૂ અને મોબાઇલ સહિત કુલ ₹2.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તથા જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS) ના માર્ગદર્શન હેઠળ LCB વલસાડની ટીમ પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પારડી તાલુકાના બગવાડા ટોલનાકા નજીક નેશનલ હાઇવે-48 પર વોચ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન સફેદ રંગની **હોન્ડા સિવિક કાર (GJ-05-CK-0651)**ને અટકાવી તપાસ કરતાં કારની ડિક્કી અને પાછળની સીટમાંથી વિદેશી દારૂ અને બિયરના કુલ 552 ટીન અને બોટલો મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,22,592 હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે કાર ચલાવતા ધીરજભાઈ ઉર્ફે બાલા શ્રીરામ પ્રજાપતી (ઉ.વ. 21), હાલ રહેવાસી લક્ષ્મીનગર, ડિંડોલી, સુરતને ઝડપી પાડી તેની પાસેથી મોબાઇલ ફોન પણ કબજે કર્યો હતો. સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત ₹2,24,592 થાય છે.
પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો કડોદરાના રાકેશ વર્મા માટે લાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે રાકેશ વર્મા અને દારૂ ભરી આપનાર અજાણ્યા વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આરોપી સામે પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ પારડી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપી સામે અગાઉ સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યા, લૂંટ અને ચોરી સહિતના ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha