


છોટાઉદેપુર, 14 જૂન (હિ.સ.) : બોડેલી રાજપૂત સમાજની વાડી ખાતે વિશ્વ રક્તદાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રકૃતિ (સાથ) ફાઉન્ડેશન અને પ્રમુખ હોસ્પિટલના સંયુક્ત સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં બોડેલી તેમજ આજુબાજુના વિસ્તારના એવા રક્તદાતાઓનું સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેઓ જરૂરિયાતના સમયે હંમેશા રક્તદાન કરવા તત્પર રહે છે અને અત્યાર સુધીમાં અનેક વખત રક્તદાન કરી ચૂક્યા છે.
આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે બોડેલીમાં જ રક્તદાનની એક એવી આધુનિક સંસ્થા ઊભી કરવામાં આવે જેથી સ્થાનિક દર્દીઓને અહીં જ તમામ સવલતો મળી રહે અને લોહી માટે વડોદરા સુધી દોડવું ના પડે. વધુમાં, પ્રમુખ હોસ્પિટલના ડૉ. ઉમેશ રાઠવાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સિકલસેલ જેવી ગંભીર બીમારીઓમાં દર્દીઓને વારંવાર બ્લડ ચઢાવવાની જરૂર પડે છે, પરંતુ કેટલીકવાર લોહીની અછતને કારણે દર્દીઓ મૃત્યુ પામે તેવા કિસ્સા પણ બને છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અને લોકોના મનમાં રહેલો એ ભ્રમ દૂર કરવાનો હતો કે રક્તદાન કરવાથી શરીરમાં નબળાઈ આવી જાય છે કે કોઈ આડઅસર થાય છે.
આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા, પદ્મશ્રી સન્માનિત પીઠોરા આર્ટિસ્ટ પરેશભાઈ રાઠવા, ઇન્દુ બ્લડ ડોનેશનના અનિલ રાઠવા, ભાજપ યુવા મોરચાના મહામંત્રી બિનલ રાઠવા, બોડેલી નગરપાલિકાના પ્રમુખ ઉમેશ રાઠવા, નિરંજન રાઠવા તેમજ પ્રમુખ હોસ્પિટલના ડૉ. ઉમેશ રાઠવા સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ