
- માનવ શરીર સિવાય બીજે ક્યાંય રુધિરનું ઉત્પાદન શક્ય નથી, લોહીનો કોઈ વિકલ્પ નથી- ડૉ. પ્રદીપ ગગલાની, ચેરમેન, રેડક્રોસ ગાંધીનગર
ગાંધીનગર, 14 જૂન (હિ.સ.) : ૧૪ જૂન એટલે 'વિશ્વ રક્તદાન દિવસ' આ દિવસ સમગ્ર વિશ્વમાં રક્તદાતાઓનો આભાર માનવા અને રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. વિજ્ઞાને ગમે તેટલી પ્રગતિ કરી હોય, પરંતુ ફેક્ટરીમાં કૃત્રિમ લોહી બનાવવું આજે પણ અશક્ય છે. લોહીનો એકમાત્ર સ્રોત માનવ શરીર જ છે. આ જ કારણ છે કે રક્તદાનને સર્વશ્રેષ્ઠ દાન માનવામાં આવે છે.
ત્યારે ગાંધીનગરના સેક્ટર-૧૨ સ્થિત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કાર્યરત બ્લડ સેન્ટર જરૂરિયાતમંદ નાગરિકો માટે સંજીવની સાબિત થઈ રહ્યું છે.
આ અંગે વિગતો આપતાં ગાંધીનગર જિલ્લા રેડ ક્રોસના ચેરમેન પ્રદીપભઈ ગગલાની જણાવે છે કે રક્તદાન કેન્દ્રની મંજૂરી અને શરૂઆતની વાત કરવામાં આવે, તો ઇન્ડિયન રેડક્રોસના માધ્યમથી નવેમ્બર-૨૦૨૫માં આ કેન્દ્રને મંજૂરી મળી અને ૨૮મી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ તે વિધિવત શરૂ થયું. ગણતરીના મહિનાઓમાં જ આ સેન્ટરે ગાંધીનગર જિલ્લા અને તેની બહારના અસંખ્ય નાગરિકોને નવજીવન આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
હાઈટેક સુવિધાઓ સજ્જ કેન્દ્ર પર આધુનિક મશીનરી અને વેલ-ટ્રેન્ડ સ્ટાફ ઉપલબ્ધ છે. એકત્રિત થયેલા રક્તને પાંચ અલગ-અલગ પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. જેમાં એચ.આઈ.વી., ડાયાબિટીસ, થાઈરોઈડ કે અન્ય ચેપી રોગોનાં લક્ષણોની ઝીણવટભરી તપાસ કરીને, પ્લાઝ્મા વગેરે અલગ પાડીને જ રક્ત દર્દી સુધી પહોંચાડાય છે.
વધુ માહિતી આપતાં તેઓ જણાવે છે કે ગાંધીનગર રક્તદાન કેન્દ્ર પરથી કોઈ પણ વ્યક્તિ નજીવી રકમ ભરીને કોઈ પણ ગ્રૂપનું રક્ત મેળવી શકે છે. જો કોઈ ચોક્કસ બ્લડ ગ્રૂપ ઉપલબ્ધ ન હોય, તો અન્ય બ્લડ બેંકો સાથે ત્વરિત તાલમેલ સાધીને વ્યવસ્થા કરવામાં આવે છે. આ જ રીતે, અન્ય બ્લડ બેંકોને જરૂર પડે ત્યારે અહીંથી પણ રક્ત પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત, અહીં તમારે રક્ત લેવા માટે સામે ફરજિયાત રક્તદાન કરવાની પણ કોઈ જ જરુર નથી.
આ સુદૃઢ વ્યવસ્થાના કારણે કટોકટીની સ્થિતિમાં અસંખ્ય લોકોના જીવ બચી રહ્યા છે. જેમ કે, કેન્સરના દર્દીઓની સારવારમાં, થેલેસેમિયા પીડિત બાળકો માટે, પ્રસૂતિ સમયે મહિલાઓની કટોકટીમાં, માર્ગ અકસ્માતમાં ઘવાયેલા ઈજાગ્રસ્તો માટે આ કેન્દ્ર આશિર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
એક સમય હતો, જ્યારે લોકોને રક્તદાન માટે સમજાવવા અઘરા હતા, પરંતુ આજે જાગૃતિ આવતાં ચિત્ર બદલાયું છે. આજે દેશના યુવાનો જન્મદિવસની ઉજવણી, લગ્નની વર્ષગાંઠ કે પૂર્વજોની પુણ્યતિથિ જેવા પ્રસંગોએ રક્તદાન શિબિરો યોજી રહ્યા છે. ઘણા યુવાનો તો ભપકાદાર ઉજવણીઓ ત્યજીને સ્વયંસ્ફૂરણાથી બ્લડ બેંક સુધી આવીને રક્તદાન કરે છે. જે સમાજ માટે ગૌરવની વાત છે. કારણ કે, માનવ શરીર સિવાય બીજે ક્યાંય રુધિરનું ઉત્પાદન શક્ય નથી. માટે રક્તદાન ખૂબ જરૂરી છે અને એક વ્યક્તિ દ્વારા આપેલું એક યુનિટ રક્ત ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિઓના અમૂલ્ય જીવ બચાવી શકે છે.
વર્ષ ૨૦૨૬ના 'વિશ્વ રક્તદાન દિવસ' માટે વિશ્વ આરોગ્ય સંસ્થા- WHO દ્વારા સત્તાવાર થીમ નક્કી કરવામાં આવી છે: ‘One Drop of Humanity. Give Blood. Save Lives.’ એટલે કે, ‘માનવતાનું એક ટીપું. રક્તદાન કરો. જીવન બચાવો’ છે.
આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય અંગે જણાવતાં ગાંધીનગર જિલ્લા રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી કિરીટભાઇ પટેલ જણાવે છે કે આ વર્ષની થીમ દરેક રક્તદાનને માત્ર એક તબીબી પ્રક્રિયા તરીકે નહીં, પરંતુ માનવતા, કરુણા અને સામાજિક જવાબદારીના પ્રતીક તરીકે રજૂ કરે છે. તે દર્શાવે છે કે લોહીનું એક ટીપું પણ સમગ્ર માનવતાને જોડી રાખવાની અને કોઈનો જીવ બચાવવાની તાકાત ધરાવે છે.અને આ વર્ષે વિશ્વ રક્તદાન દિવસ ૨૦૨૬ની થીમ ગાંધીનગર રેડક્રોસ બ્લડ સેન્ટરનાં સેવાકાર્યો સાથે અદ્ભુત રીતે સુસંગત થાય છે.
વધુમાં તેઓ જણાવે છે કે આ સેવા કાર્ય એકલા હાથે સંભવ નથી. તેથી બ્લડ બેંકનો ટેકનિકલ સ્ટાફ ડોક્ટર અને ઉત્સાહી સ્વયંસેવકો પણ ઉપરાંત રક્તદાન કરનાર દરેક 'રિયલ લાઇફ હીરો' આ સેવા યજ્ઞને સફળ બનાવવા સતત પરિશ્રમ કરે છે.
૧૪ જૂન 'વિશ્વ રક્તદાન દિવસ'ના અનુસંધાને ગાંધીનગર રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન દ્વારા અન્ય લોકોનાં જીવન બચાવવાના મહાઅભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. કારણ કે, કોઈ એક વ્યક્તિનું રક્તદાન, કોઈ અન્યના જીવનનો દીવો બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ