
પાટણ, 15 જૂન (હિ.સ.)
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં શેઢા પરના ઝાડ કાપવાના મુદ્દે થયેલા વિવાદમાં 65 વર્ષીય ખેડૂત ભચાભાઈ ખેંગાભાઈ આહીર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ભચાભાઈએ હમીરભાઈ ભુરાભાઈ આહીર અને તેમના ત્રણ પુત્રો કિશનભાઈ, ભરતભાઈ તથા ઈશ્વરભાઈ વિરુદ્ધ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ભચાભાઈ પોતાના ખેતરે હાજર હતા ત્યારે પડોશી ખેતરના હમીરભાઈ અને તેમના પુત્રો જેસીબી મશીન વડે બંને ખેતરો વચ્ચેના શેઢા પરથી ઝાડ કાપી રહ્યા હતા. ભચાભાઈના ભાગના ઝાડ પણ કાપી નાખવામાં આવતા તેમણે વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ બાબતે ઉશ્કેરાયેલા હમીરભાઈએ ભચાભાઈને લાકડી વડે માર માર્યો હતો, જ્યારે તેમના ત્રણેય પુત્રોએ પણ ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન ભચાભાઈના ભત્રીજા ખીમાભાઈ ખોડાભાઈ આહીર અને આલાભાઈ નાગદાનભાઈ આહીર ત્યાં પહોંચી જતા વધુ મારામારી અટકાવી હતી. આરોપીઓએ જતા પહેલાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ભચાભાઈને પ્રથમ સાંતલપુર સરકારી દવાખાને અને બાદમાં ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સાંતલપુર પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 115(2), 118(1), 296(બી), 351(3), 54 તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ