
બોટાદ/અમદાવાદ,15 જૂન (હિ.સ.) : બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં કોપીરાઈટ મામલે છેલ્લા ઘણા દિવસથી વિવાદ સર્જાયો છે. આ મુદ્દે સનાતન સંતોથી લઈને વિવિધ હિન્દુ સંગઠનો અને બ્રહ્મ સમાજ દ્વારા આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ચીમકી આપતા કહ્યું હતું કે, 'જો ધર્મ વિરોધી પ્રવૃત્તિ બંધ નહીં કરે તો કાયદાકીય લડત કરાશે.'
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા તાજેતરમાં લેવાયેલા કાયદાકીય નિર્ણય બાદ સોશિયલ મીડિયા અને લોકમુખે ચાલતી વિવિધ ચર્ચાઓ પર મંદિર પ્રશાસન દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.
‘કિંગ ઑફ સાળંગપુર’ તરીકે ઓળખાતી દાદાની ભવ્ય પ્રતિમા અને ચિત્રોના કોપીરાઇટ તથા ટ્રેડમાર્ક મેળવવાના નિર્ણય અંગે મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.
કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હનુમાનજીના નામ, તેમની પૂજા-અર્ચના, આરાધના કે ભક્તિ પર કોઈ પ્રકારનો કોપીરાઇટ નથી અને તેના પર કોઈ જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. ભક્તો હંમેશની જેમ જ ભાવપૂર્વક દાદાની ભક્તિ કરી શકે છે.
તેમણે વિગતો આપતા કહ્યું કે, માત્ર મંદિર પરિસરમાં સ્થાપિત ‘કિંગ ઑફ સાળંગપુર’ તરીકે ઓળખાતી 54 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા, તેના વિશિષ્ટ સુવર્ણ વાઘા અને તેની સાથે સંબંધિત સત્તાવાર લોગોના ટ્રેડમાર્ક તથા કોપીરાઇટનું કાયદાકીય નોંધણીકરણ કરવામાં આવ્યું છે.
કરોડોની છેતરપિંડી અને દુરુપયોગ અટકાવવા લેવાયો નિર્ણય
સાળંગપુરના સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું કે, 'શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ વતી હું સ્પષ્ટતા કરું છું, કોપીરાઈટ માત્ર કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની સુરક્ષા માટે જ છે. હનુમાનજી તો સૌના છે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી અફવા ચાલી રહી છે કે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાનજીના કોપીરાઈટ લઈ લીધા છે અને હવે કોઈ ભક્ત સંસ્થાની મંજૂરી વગર નવું મંદિર કે હનુમાનજીનું નામ રાખી શકશે નહીં. સાળંગપુર મંદિર આ બાબતને તદ્દન ખોટી અને ગેરસમજ ગણાવે છે. વાસ્તવિકતા અને કાયદાકીય પગલાનું આ કારણ છે.'
તેમણે કહ્યું કે, 'સાળંગપુર ધામ ખાતે 54 ફૂટ ઊંચી દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જેના કેટલાક લેભાગુ તત્વો અને ધંધાદારીઓએ ભક્તોને છેતરવાનું મોટું નેટવર્ક શરૂ કર્યું છે. નકલી પ્રસાદ અને સાહિત્યની અંદર પણ સાળંગપુર ધામના નામે નકલી મૂર્તિઓ, વાઘાના ફોટાઓ, માળા અને દોરા-તિલકનું ગેરકાયદેસર વેચાણ શરૂ કરાયું છે.'
ઓનલાઈન પણ ખૂબ મોટાપાયે છેતરપિંડીઓ ચાલું છે. સાળંગપુર ધામની નકલી વેબસાઈટ અને સોશિયલ મીડિયાના પેજ બનાવીને ભોળા ભક્તો પાસેથી નકલી રૂમ બુકિંગ, દાન અને સેવાના નામે કરોડો રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે, તેવું કાઠારી સ્વામીએ કહ્યું છે.
વિવેકસાગર સ્વામીએ કહ્યું કે, 'એક વ્યક્તિએ તો સાળંગપુર ધામના નામે વર્લ્ડ ટ્રેડ માર્ક મેળવવા માટે પણ અરજી કરી દીધી હતી. તેથી હનુમાનજી મંદિર તરફથી હું સ્પષ્ટતા કરી રહ્યો છું, આવી મોટી છેતરપિંડી અને મોટી આર્થિક લૂંટથી ભોળા ભક્તોને બચાવવા માટે કાનુની નિષ્ણાંતોની સલાહથી માત્ર સાળંગપુર ધામ સ્થિત કિંગ ઓફ સાળંગપુરની વિશિષ્ટ મૂર્તિ, તેના સુવર્ણ વાઘા અને સંસ્થાના લોગોના જ અમે કોપીરાઈટ અને ટ્રેડ માર્ક લીધા છે. હનુમાનજીના કોપીરાઈટ કે ટ્રેડ માર્ક લેવામાં આવ્યા નથી. સમસ્ત ભગવાનના કોપીરાઈટ ક્યારેય કોઈ વ્યક્તિને મળી જ ન શકે. હનુમાનજી સદૈવ સૌના હતા, છે અને રહેશે.'
ઉલ્લેખનીય છે કે, સાળંગપુર ધામની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરને સુરક્ષિત કરવાના ભાગરૂપે દાદાના વિવિધ દિવ્ય સ્વરૂપો અને કિંગ ઓફ સાળંગપુર સહિતના બૌદ્ધિક સંપત્તિ હકો મેળવવામાં આવ્યા છે. આ તમામ કાયદાકીય પ્રમાણપત્રો ભક્તિભાવ પૂર્વક કષ્ટભંજન દેવના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર જટિલ પ્રક્રિયા જાણીતી કાયદાકીય ફર્મ D N AHYA & CO. દ્વારા IP નિષ્ણાત દર્શિત આહ્યાના કુશળ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
તમામ કાયદાકીય પ્રમાણપત્રો કષ્ટભંજન દેવના ચરણોમાં સમર્પિત કરાયા
કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, આપણી સનાતન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવી એ વર્તમાન સમયની મોટી જરૂરિયાત છે, જેથી ભવિષ્યમાં પણ મંદિરની ગરિમા અકબંધ રહે.
મંદિર ટ્રસ્ટે દેશ-વિદેશના સંતો, મહંતો અને કરોડો ભક્તોને અપીલ કરી છે કે તેઓ આ મુદ્દે ફેલાતી કોઈપણ પ્રકારની ગેરસમજ કે અફવાઓથી દૂર રહે અને માત્ર સાચી માહિતી પર જ વિશ્વાસ રાખે. આ સાથે જ ટ્રસ્ટે ધર્મસ્થાનને કેન્દ્રમાં રાખીને કોઈપણ પ્રકારનું રાજકારણ ન કરવાની પણ નમ્ર અપીલ કરી છે. આ ઐતિહાસિક નિર્ણયથી સાળંગપુર ધામની સ્થાપત્ય અને ધાર્મિક ઓળખ કાયદાના દાયરામાં સુરક્ષિત થતાં ભક્તોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ