
છોટાઉદેપુર,15 જૂન (હિ.સ.) હરિયાળુ છોટાઉદેપુર અભિયાન અંતર્ગત આજરોજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સંખેડા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર, છોટાઉદેપુરના આદેશ અનુસાર તાલુકા સેવાસદન સંખેડા અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંખેડાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.
કોલેજ કેમ્પસમાં આયોજિત આ કાર્યક્રમમાં કોલેજના પ્રાંગણને હરિયાળું બનાવવા માટે વિવિધ જાતના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. પર્યાવરણની જાળવણી અને વૃક્ષોના મહત્વ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. વૃક્ષો થકી ઓક્સિજન, વરસાદ અને જૈવવિવિધતામાં થતા ફાયદા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. ડી.વી. પટેલ, સમગ્ર કોલેજ સ્ટાફ, એન.એસ.એસ.ના સ્વયંસેવકો તથા ફોરેસ્ટ ઓફિસર વણકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો અને વાવેલા છોડના જતનની જવાબદારી લેવાનો સંકલ્પ કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. પી.આર. શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વધુમાં વધુ વૃક્ષો વાવીને છોટાઉદેપુર જિલ્લાને હરિયાળો બનાવવા માટે સૌને અપીલ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ