
-એરપોર્ટ માટે જમીન આપનાર ખેડૂતો પ્રથમ ફ્લાઇટથી મુખ્યમંત્રીને મળવા લખનૌ રવાના -ભવિષ્યમાં નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટને હાઇ સ્પીડ રેલ સાથે પણ જોડવાની તૈયારી
નોઈડા, નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.). ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લાના જેવર ખાતે બનેલા નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી આજે ઉડ્ડયન સેવાઓ શરૂ થઈ ગઈ છે. અહીંથી પ્રથમ ઉડાનને, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ લીલી ઝંડી બતાવી રવાના કરી. આ પ્રથમ ફ્લાઇટથી એરપોર્ટ માટે જમીન આપનાર ખેડૂતોને લખનૌ મોકલવામાં આવ્યા છે. આ ખેડૂત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળશે. આજે ચાર સ્થળો માટે ફ્લાઇટ શરૂ થઈ છે અને આગામી કેટલાક મહિનામાં અહીંથી 12 સ્થળો માટે ઉડ્ડયન શરૂ થઈ જશે.
આ પ્રસંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ કહ્યું કે, અમને આનંદ છે કે જેમ ખેડૂતોએ એરપોર્ટ માટે જમીન આપી, તેઓ આજે પ્રથમ ફ્લાઇટથી લખનૌ જઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળશે. આ ઐતિહાસિક દિવસ છે. આ પ્રોજેક્ટને લઈને લોકોમાં ઉત્સાહ હતો અને આજે એ દિવસ આવી ગયો કે, ફ્લાઇટ સેવા શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રીએ આ પ્રોજેક્ટના નિર્માણમાં જોડાયેલા લોકો, ખેડૂતો અને તમામને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે, નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રધાનમંત્રીનું એક વિઝન હતું. તેમણે વિચાર્યું હતું કે, અહીં એક એરપોર્ટ બનવું જોઈએ. આ વિઝનને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય લોકોએ મળીને એક મિશનની જેમ પૂર્ણ કર્યું. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી નાયડુએ, જેવરના ધારાસભ્ય ધીરેન્દ્ર સિંહની પણ પ્રશંસા કરી અને કહ્યું કે, તેમણે ખેડૂતોને સમજાવી જમીન આપવા માટે તૈયાર કર્યા. આ એરપોર્ટ શરૂ થવાથી યુવાનોને ઘણો લાભ થશે. હજારોની સંખ્યામાં રોજગારની શક્યતા વધશે. તેનો લાભ જેવરના લોકોને મળશે.
તેમણે કહ્યું કે, નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ એક હબ બનવાનું છે. તે ડોમેસ્ટિક ઓપરેશન માટે હબ બનશે. તેમણે કહ્યું કે, જેવર ભવિષ્યમાં એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે. તેમણે કહ્યું કે, અહીં ઉદ્યોગ વધશે, મેન્યુફેક્ચરિંગ વધશે, હોસ્પિટાલિટી વધશે અને એગ્રીકલ્ચર વધશે. તેમણે કહ્યું કે, આ એરપોર્ટ પર મલ્ટિપલ ઇન્ડસ્ટ્રી નિર્ભર રહેશે. શરૂઆતમાં 1.2 કરોડ પેસેન્જર સાથે શરૂઆત કરી રહ્યા છીએ, જ્યારે ફેસ-4 સુધી તેને 7 કરોડ પેસેન્જર સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે. તેમણે કહ્યું કે, અહીં એક એમઆરઓ નેટવર્કનો પ્રધાનમંત્રીએ શિલાન્યાસ કર્યો હતો. આ એરપોર્ટ શરૂ થવાથી અનેક પ્રવૃત્તિઓ શરૂ થશે.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી નાયડુએ કહ્યું કે, આજે ચાર સ્થળો માટે ફ્લાઇટ શરૂ કરી રહ્યા છીએ. આગામી મહિનાઓમાં 12 ગંતવ્ય સુધી ફ્લાઇટ શરૂ થશે. આવનારા દિવસોમાં દેશના તમામ મોટા ડેસ્ટિનેશન સાથે નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ જોડાશે. તેમણે કહ્યું કે, જેવર એરપોર્ટ પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા શહેરોને જોડે છે. પશ્ચિમ યુપીના ઘણા શહેરો માટે નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ આધાર બનશે. આ એરપોર્ટ સાથે અનેક હાઇવે જોડાયેલા છે, જેના કારણે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના લોકો પણ અહીંથી ફ્લાઇટ લેશે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં એરપોર્ટને હાઇ સ્પીડ રેલ સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, જો એરલાઇન્સ ફ્લાઇટ રદ કરે છે તો પેસેન્જરના હિતોનું ધ્યાન રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / સુરેશ ચૌધરી / સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ