
મુંબઈ, નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી સંચિતા ઉગલે, પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવી છે. પ્રારંભિક માહિતી મુજબ તેમણે કથિત રીતે આત્મહત્યા કરી છે. પોલીસ આ મામલાની ગહન તપાસ કરી રહી છે. ઘટનાને પગલે મનોરંજન જગત અને તેમના પ્રશંસકોમાં શોકની લહેર દોડી ગઈ છે.
પોલીસ મુજબ સંચિતા પોતાના માતા-પિતા અને બહેન સાથે મુંબઈ મહાનગર ક્ષેત્રના નાલાસોપારા ખાતે રહેતી હતી. ઘટના સમયે તેઓ ઘરમાં એકલી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, તેમણે સાડીના સહારે ફાંસી લગાવી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતદેહને કબજામાં લઈને આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, મામલાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ પૂરી થયા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.
સંચિતા ઉગલે ટીવીના અનેક ચર્ચિત ધારાવાહિકો જેમ કે 'કુમકુમ ભાગ્ય', 'દિલવાલી દૂલ્હા લે જાએગી' અને 'સાજન ઘર'માં કામ કર્યું હતું. તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું અને તાજેતરમાં વિકી કૌશલ અભિનીત ફિલ્મ 'છાવા'માં 'તારાબાઈ'ના પાત્રમાં દેખાઈ હતી.
ખાસ વાત એ છે કે, મૃત્યુથી થોડા કલાકો પહેલાં જ તેમણે સોશિયલ મીડિયા પર એક રીલ વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ અત્યંત ખુશ દેખાઈ રહી હતી. તેમની અચાનક મૃત્યુની ખબરથી ફેન્સ સ્તબ્ધ છે અને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ