
નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માત પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને શોક વ્યક્ત કર્યો છે. બંનેએ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેર કરેલા પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં વાહન અકસ્માતમાં લોકોના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ અને પીડાદાયક છે. તેમણે શોકસંતપ્ત પરિવારો પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરતાં, ઈશ્વર પાસે આ મુશ્કેલ સમયમાં તેમને સંબળ આપવાની પ્રાર્થના કરી. રાષ્ટ્રપતિએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી.
ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને પણ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સોલાપુર જિલ્લામાં થયેલા અકસ્માતમાં લોકોના મોત અત્યંત દુઃખદ છે. તેમણે મૃતકોના પરિજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ દુઃખની ઘડીમાં સમગ્ર દેશ પીડિત પરિવારો સાથે ઊભો છે.
ઉલ્લેખનીય છે કે, સોલાપુર જિલ્લાના માલશિરસ તાલુકામાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. પંઢરપુર જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલો એક મિની પિકઅપ ટેમ્પો મ્હસવડ-પંઢરપુર માર્ગ પર તાંદુલવાડી ગામ નજીક અચાનક અનિયંત્રિત થઈને માર્ગ કિનારે આવેલા એક ઊંડા કૂવામાં જઈ પડ્યો. અકસ્માત સમયે વાહનમાં લગભગ 14 શ્રદ્ધાળુઓ સવાર હતા.
અકસ્માત બાદ સ્થાનિક લોકો, પોલીસ અને રાહત-બચાવ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ અભિયાન શરૂ કર્યું. જોકે કૂવામાં પડી જવાને કારણે ઘણા લોકો પાણીમાં ફસાઈ ગયા. અકસ્માતમાં શ્વાસ રૂંધાવા અને ડૂબવાથી આઠ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે છ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ