

પાટણ, 15 જૂન (હિ.સ.)હારીજ તાલુકાના વેજાવાળા ગામ નજીક જાહેર માર્ગ પર ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એક સગીર બાળક પાસે ગેરકાયદેસર રીતે દારૂ વેચાવવામાં આવતો હોવાના દૃશ્યો જોવા મળતા લોકોમાં રોષ ફેલાયો છે.
વાયરલ વીડિયોએ પોલીસ તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જાહેર રોડ પર બૂટલેગરો કોઈ ડર વગર દારૂનું વેચાણ કરી રહ્યા છે, છતાં પોલીસની નજર ત્યાં સુધી પહોંચતી નથી.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેરમાં દારૂ વેચાણ થતું હોવાના આક્ષેપોથી પોલીસના દાવાઓ પર પણ સવાલ ઊભા થયા છે. જાગૃત નાગરિકોએ જવાબદાર તંત્ર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ મામલે હારીજ પીઆઈ એ.બી. મહેરિયાએ જણાવ્યું હતું કે વાયરલ વીડિયો જૂનો છે. તેમણે કહ્યું કે પોલીસ દ્વારા ગત રાત્રે રેડ કરવામાં આવી હતી, પરંતુ તપાસ દરમિયાન આવી કોઈ પ્રવૃત્તિ સામે આવી નહોતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ