
કોલકતા, નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) પશ્ચિમ બંગાળના ડાયમંડ હાર્બરથી લોકસભા સાંસદ અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી, સોમવારે પ્રાથમિક શિક્ષક ભરતી ભ્રષ્ટાચાર મામલે પૂછપરછ માટે પ્રવર્તન નિદેશાલય (ઈડી)ના કાર્યાલય પહોંચ્યા હતા. તેમને સવારે 11 વાગ્યે સોલ્ટલેક સ્થિત સીઝીઓ કોમ્પ્લેક્સમાં તલબ કરવામાં આવ્યા હતા. જોકે, તેઓ નક્કી કરેલા સમય પહેલાં જ ત્યાં પહોંચી ગયા હતા. ઈડી કાર્યાલયમાં પ્રવેશ કરતી વખતે, તેમણે મીડિયાના સવાલો પર કોઈ ટિપ્પણી કરી નહોતી.
અભિષેકની હાજરીને લઈને આ વખતે સીઝીઓ કોમ્પ્લેક્સમાં વધારાની સુરક્ષા વ્યવસ્થા જોવા મળી નહોતી. પરિસરમાં ન તો વધારાનો પોલીસ દળ તૈનાત હતું અને ન તો કેન્દ્રીય દળો. અગાઉ જ્યારે પણ અભિષેક તપાસ એજન્સીઓ સમક્ષ હાજર થતા, ત્યારે સમગ્ર વિસ્તારમાં વિશેષ સતર્કતા રાખવામાં આવતી હતી અને અવરજવર પર પણ નિયંત્રણ મૂકવામાં આવતું હતું.
રવિવારે પણ અભિષેકે વિધાનસભા હસ્તાક્ષર જાળસાજી મામલે સી.આઈ.ડી. સમક્ષ ભવાની ભવનમાં લગભગ સાડા આઠ કલાક સુધી પૂછપરછનો સામનો કર્યો હતો. આ જ મામલે બેલીયાઘાટાથી તૃણમૂલ વિધાયક કુંણાલ ઘોષને પણ બોલાવવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર, બંનેની સામસામે બેસાડી પૂછપરછ કરવામાં આવી હતી. સી.આઈ.ડી. કાર્યાલયમાંથી બહાર આવ્યા બાદ અભિષેક સીધા મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવાસસ્થાને ગયા હતા.
અભિષેકને મંગળવારે પણ સી.આઈ.ડી.એ ફરીથી તલબ કર્યા છે. ઉપરાંત સોલ્ટલેકમાં નોંધાયેલી અન્ય એક ફરિયાદના સંદર્ભમાં રાજ્ય પોલીસની ગુપ્તચર શાખા બુધવારે પણ તેમની પૂછપરછ કરવા માંગે છે. જોકે, કલકત્તા ઉચ્ચ ન્યાયાલયે વિધાનસભા હસ્તાક્ષર જાળસાજી મામલે તેમને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપતાં આગામી બે અઠવાડિયા સુધી તેમની સામે કોઈપણ કડક કાર્યવાહી પર રોક લગાવી છે. પરંતુ પ્રાથમિક ભરતી મામલે અને સોલ્ટલેકના અન્ય મામલે તેમને આવી કોઈ રાહત મળી નથી.
પ્રાથમિક શિક્ષક ભરતી ભ્રષ્ટાચાર મામલાની તપાસ ઈડી લાંબા સમયથી કરી રહી છે. અગાઉ કેન્દ્રિય તપાસ બ્યૂરો (સી.બી.આઈ.)ની તપાસ દરમિયાન સામે આવેલા એક ઓડિયો ક્લિપમાં અભિષેક બેનર્જી નામના વ્યક્તિનો ઉલ્લેખ થયો હતો. તે ઓડિયોમાં કથિત રીતે નોકરી બદલ વસૂલવામાં આવેલી રકમ અભિષેક સુધી પહોંચાડવાની વાત કહી હતી. સી.બી.આઈ.એ પોતાની આરોપપત્રમાં પણ આ ઓડિયોનો ઉલ્લેખ કર્યો હતો.
આ જ ઓડિયોના આધારે 'કાલીઘાટ કે કાકૂ'ના નામથી ચર્ચિત, સુજય કૃષ્ણ ભદ્રાના અવાજના નમૂનાની પણ તપાસ કરવામાં આવી હતી. ઈડી હવે આ ઓડિયો સાથે જોડાયેલા મુદ્દાઓને પોતાની તપાસના દાયરામાં લાવવા માંગે છે. ઉપરાંત અભિષેક બેનર્જીની કંપની 'લિપ્સ એન્ડ બાઉન્ડ્સ'ના નાણાકીય વ્યવહારો પણ તપાસ એજન્સીના રડારમાં છે. માનવામાં આવે છે કે, આ સંબંધમાં પણ તેમની પૂછપરછ થઈ શકે છે. ઈડી અગાઉ પણ આ મામલે અભિષેકની અનેક વખત પૂછપરછ કરી ચૂકી છે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ