


પોરબંદર, 26 જૂન (હિ.સ.) પોરબંદરમાં દુકાનમાંથી થયેલી રૂ.70 હજારના મુદામાલની ચોરીનો ભેદ કીર્તિમંદિર પોલીસે ઉકેલી મહિલા ચોર ટોળકીને ઝડપી પાડી છે.પોલીસે ચોરીમાં સંડોવાયેલી ત્રણ મહિલાઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂ.28 હજારની રોકડ રકમ કબ્જે કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, શહેરની એક દુકાનમાંથી રોકડ સહિત કુલ રૂ.70 હજારના મુદામાલની ચોરી થઈ હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાતા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ, બાતમીદારો અને ટેકનિકલ તપાસના આધારે પોલીસે ચોરીમાં સંડોવાયેલી મહિલા ટોળકી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
પોલીસે રાખી અજય સોલંકી, શાંતી વજસી સોલંકી અને વનીતા આકાશ સોલંકીની ધરપકડ કરી છે.પૂછપરછ દરમિયાન ચોરીની કબૂલાત મળતા તેમની પાસેથી રૂ.28 હજારની રોકડ રકમ કબ્જે કરવામાં આવી હતી.કીર્તિમંદિર પોલીસે ત્રણેય મહિલાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
શહેરમાં ચોરીની ઘટનાનો ઝડપથી ભેદ ઉકેલાતા પોલીસની કામગીરીને લઈ વેપારીઓ અને સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya