
- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ જિલ્લાના કુલ 14 આદિજાતિ નૃત્યોની પ્રસ્તુતિ માટે ઐતિહાસિક સમજૂતી કરાર.
ગાંધીનગર, 27 જૂન (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી પી.સી. બરંડાના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યની સમૃદ્ધ આદિજાતિ સંસ્કૃતિ અને લોકવારસાના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી-SoU ઓથોરિટી અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી-GTRTS વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે.
આ સમજૂતી કરારના અમલીકરણથી વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે પ્રતિમાસ બે શનિવારે ગુજરાતના વિવિધ જિલ્લાઓના આદિજાતિ કલાકારો દ્વારા કુલ 14 પરંપરાગત આદિવાસી નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે. જેમાં રાઠવા નૃત્ય – છોટાઉદેપુર, ગેર નૃત્ય – છોટાઉદેપુર, મેવાસી નૃત્ય - છોટાઉદેપુર, કહડિયા નૃત્ય – ડાંગ, પાવરી નૃત્ય – ડાંગ, લોક નૃત્ય – નર્મદા, હોળી નૃત્ય – નર્મદા, ગામિત ઢોલ નૃત્ય – તાપી, ચૌધરી લોક નૃત્ય – તાપી, તલવાર નૃત્ય – મહિસાગર, ટીમલી નૃત્ય – મહિસાગર, મંડળ નૃત્ય – નવસારી, તૂર નૃત્ય – નવસારી, કાહલી નૃત્ય – વલસાડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતનાં સ્થાપના દિવસ 1 મે, વર્ષ 2024થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર પખવાડીએ શનિવારના રોજ રાજ્યના વિવિધ જિલ્લાના અનેક આદિજાતિ નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે, જેને પ્રવાસીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. આ સફળતાને ધ્યાનમાં રાખીને હવે આ આયોજનને નિયમિત સ્વરૂપ આપવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણિયા અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટીના કાર્યપાલક નિયામક ડૉ. સી.સી. ચૌધરી દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ જણાવ્યું હતું કે, આ પહેલનો મુખ્ય હેતુ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને ગુજરાતની વૈવિધ્યસભર આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત પરિચય કરાવવાનો છે.
ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટીના કાર્યપાલક નિયામક ડૉ. સી.સી. ચૌધરીએ કહ્યું હતું કે, એકતા નગર ખાતે દર પખવાડિયે શનિવારે તેમજ વિવિધ વિશેષ પ્રસંગોએ ગુજરાતના વિવિધ જિલ્લાઓના આદિજાતિ કલાકારો દ્વારા પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યકમો રજૂ કરવામાં આવશે. આ પહેલ દ્વારા રાજ્યની આદિવાસી સંસ્કૃતિને વધુ વ્યાપક ઓળખ મળશે તેમજ સ્થાનિક કલાકારોને પોતાની કળા પ્રસ્તુત કરવા માટે સશક્ત મંચ ઉપલબ્ધ થશે. ગુજરાતની આદિવાસી પરંપરા, લોકકલા અને લોકનૃત્યોને વૈશ્વિક ઓળખ અપાવતી આ પહેલ રાજ્યના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના સંકલ્પને વધુ મજબૂતી પ્રદાન કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ