નવસારીમાં ટ્રેનની ટક્કરે 21 વર્ષીય યુવતીનું મોત, પોલીસે તપાસ તેજ કરી
નવસારી, 26 જૂન (હિ.સ.) : નવસારીના વિજલપોર વિસ્તારના રામનગર નજીક મોડી રાત્રે ટ્રેનની અડફેટે આવતાં 21 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. મૃતકની ઓળખ રીટા તરીકે થઈ છે, જે એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે
Navsari


નવસારી, 26 જૂન (હિ.સ.) : નવસારીના વિજલપોર વિસ્તારના રામનગર નજીક મોડી રાત્રે ટ્રેનની અડફેટે આવતાં 21 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. મૃતકની ઓળખ રીટા તરીકે થઈ છે, જે એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી.

પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. હાલ આ ઘટના અકસ્માતના કારણે બની છે કે પછી યુવતીએ આપઘાત કર્યો છે, તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. વિજલપોર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.

રામનગર અને શ્યામનગર જેવા શ્રમિક વિસ્તારોમાં લોકો રોજિંદી અવરજવર માટે રેલવે ટ્રેકનો શોર્ટકટ તરીકે ઉપયોગ કરતા હોવાનું જાણવા મળે છે. અગાઉ પણ આ વિસ્તારમાં આવી અનેક દુર્ઘટનાઓ બની ચૂકી છે. અકસ્માતો અટકાવવા માટે રેલવે વિભાગે જાગૃતિ અભિયાન ચલાવ્યું હોવા છતાં લોકોમાં પૂરતી સાવચેતીનો અભાવ જોવા મળતાં ટ્રેન અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande