પોરબંદરમાં નશાના કારોબારીઓમાં પોલીસનો ખૌફ.
પોરબંદર, 26 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ચરસ અને ગાંજા જેવા નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં પાંચથી વધુ શખ્સોને ચરસ અને
પોરબંદરમાં નશાના કારોબારીઓમાં પોલીસનો ખૌફ.


પોરબંદર, 26 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ચરસ અને ગાંજા જેવા નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં પાંચથી વધુ શખ્સોને ચરસ અને ગાંજા સાથે ઝડપી લેવામાં આવ્યા છે. એક પછી એક થઈ રહેલી આ કાર્યવાહીએ જિલ્લામાં નશીલા પદાર્થોનું જાળું કેટલું વિસ્તરી રહ્યું છે તેની ગંભીરતા ઉજાગર કરી છે.પોરબંદર શહેરમાં વર્ષોથી દેશી અને વિદેશી દારૂનું દુષણ પડકારરૂપ રહ્યું છે. હવે તેની સાથે ચરસ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું વેચાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું હોવાની ચર્ચા છે. ખાસ કરીને યુવા પેઢીને નશાની લતમાં ધકેલવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ચરસની નાની-નાની પડીકીઓ બનાવી તેનું વેચાણ થતું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

તાજેતરમાં પોરબંદર શહેર, રાણાવાવ અને કુતિયાણા સહિતના વિસ્તારોમાં પોલીસે અલગ-અલગ દરોડા પાડી અનેક આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની પાસેથી ચરસ, ગાંજા તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ નોંધાતા ગુનાઓમાં થયેલા વધારાએ પણ નશાના વેપારની ગંભીરતા તરફ ઈશારો કર્યો છે.જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસની સતત કાર્યવાહીથી અનેક ગુનાઓનો પર્દાફાશ થઈ રહ્યો છે, છતાં નશાના વેપારીઓ નવા રસ્તા અપનાવી પોતાના કારોબારને ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

નશાનું વધતું દૂષણ માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. શિક્ષણવિદો અને સામાજિક આગેવાનોનું માનવું છે કે યુવાનોને નશાથી દૂર રાખવા માટે માત્ર પોલીસની કાર્યવાહી પૂરતી નથી.પરિવાર, શાળાઓ, સામાજિક સંસ્થાઓ અને સમાજના તમામ વર્ગોએ મળીને જાગૃતિ લાવવી જરૂરી છે.ખાસ કરીને વાલીઓએ પોતાના સંતાનોની મિત્રમંડળી, રોજિંદી હિલચાલ અને બદલાતા વર્તન પર સતત ધ્યાન રાખવું જોઈએ. સમયસર યોગ્ય માર્ગદર્શન અને સંવાદ દ્વારા જ યુવાનોને નશાના દૂષણથી બચાવી શકાય છે. પોરબંદર જેવા નાના શહેરમાં નશાના કાળા કારોબારનો વધતો વ્યાપ સમગ્ર સમાજ માટે ચેતવણી સમાન બની રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande