પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સ સામે આદિપુર પોલીસની કડક કાર્યવાહી, બે મહિના માટે કચ્છ જિલ્લામાંથી તડીપાર
કચ્છ, 26 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તેમજ પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક અંકુશ લાવી શકાય તે હેતુથી આદિપુર પોલીસે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા
બે માસ માટે તડીપાર કરાયેલ આરોપી


કચ્છ, 26 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તેમજ પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક અંકુશ લાવી શકાય તે હેતુથી આદિપુર પોલીસે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા એક શખ્સને બે મહિનાની અવધિ માટે કચ્છ જિલ્લો તેમજ કચ્છને અડીને આવેલા જિલ્લાઓમાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા અને અન્ય પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશન દ્વારા આરોપી વિરુદ્ધ હદપારીની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાની આગેવાની હેઠળ તૈયાર કરાયેલી આ દરખાસ્ત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, અંજાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. રજૂ થયેલા પુરાવા અને આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને મેજિસ્ટ્રેટે દરખાસ્ત મંજૂર રાખી આરોપીને બે મહિનાની મુદત માટે કચ્છ જિલ્લો તેમજ તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી તડીપાર કરવાનો આદેશ કર્યો છે.

તડીપાર કરાયેલા આરોપીની ઓળખ નારણભાઈ વિશ્રામભાઈ ગઢવી (ઉંમર ૫૨ વર્ષ) તરીકે થઈ છે. હાલ તે આદિપુરના બારોટવાડી વિસ્તારમાં રહે છે અને મૂળ અબડાસા તાલુકાના સિંધોડી ગામનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી તેની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરીમાં આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. ડુવા તેમજ સર્વેલન્સ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં શાંતિ, સુરક્ષા અને કાયદાનું પાલન જળવાઈ રહે તે માટે અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી જ રીતે સતત કડક કાર્યવાહી ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande