



કચ્છ, 26 જૂન (હિ.સ.) પૂર્વ કચ્છના અંજાર શહેરમાં પ્રોહિબિશનના ગુનાઓમાં વારંવાર સંડોવાતી મહિલા બુટલેગર સામે પોલીસે વધુ એક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી છે. અંજાર પોલીસ અને રેવન્યુ વિભાગે સંયુક્ત ઓપરેશન ચલાવી સરકારી જમીન પર થયેલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરાવ્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલી હંસાબેન ઉર્ફે હાસ કરશનભાઈ ગઢવી, અંજારે છેલ્લા અંદાજે 15 વર્ષથી સરકારી સર્વે નંબર 784ની જમીન પર આશરે 67 ચોરસ વાર જેટલું રહેણાંક મકાન ગેરકાયદેસર રીતે બાંધી દબાણ કર્યું હતું. આ અંગે અંજાર પોલીસ સ્ટેશન દ્વારા મામલતદાર અંજારને જાણ કરવામાં આવતા સ્થળ તપાસ બાદ દબાણની પુષ્ટિ થઈ હતી.
ત્યારબાદ મામલતદાર અંજારની ટીમ અને અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એ. જાડેજાના નેતૃત્વમાં પોલીસ કાફલા સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સરકારી જમીન પર ઉભું કરાયેલું ગેરકાયદેસર રહેણાંક મકાન તોડી પાડીને અંદાજે રૂ. 8,10,700 કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ હંસાબેન ઉર્ફે હાસબાઈ કરશનભાઈ ગઢવી લાંબા સમયથી પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલી લિસ્ટેડ આરોપી છે. તેના વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020થી વર્ષ 2026 દરમિયાન નોંધાયેલા કુલ 12 પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે. જેમાં વર્ષ 2026માં એક, વર્ષ 2025માં બે, વર્ષ 2024માં ચાર, વર્ષ 2023માં એક, વર્ષ 2022માં ત્રણ તથા વર્ષ 2020માં એક ગુનો નોંધાયેલો છે. તમામ ગુનાઓ ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(એ)(એ) હેઠળ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડ દર્શાવે છે.
પોલીસનું માનવું છે કે આવા રીઢા ગુનેગારો સામે માત્ર ગુનો નોંધવાથી નહીં પરંતુ તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા દબાણો અને મિલકતો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તો ગુનાખોરી પર અસરકારક અંકુશ મેળવી શકાય છે. આ કાર્યવાહી પણ તે જ દિશામાં લેવામાં આવેલ મહત્વપૂર્ણ પગલું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
સમગ્ર કાર્યવાહી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ. એ. જાડેજા, અંજાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મામલતદાર અંજારની ટીમના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar