પ્રાકૃતિક ખેતીથી ટકાઉ કૃષિ તરફ ખેડૂતોને નવી દિશા: ભચાઉ વિભાગીય સંશોધન કેન્દ્રે આધુનિક ખેતી અંગે આપ્યું માર્ગદર્શન
કચ્છ, 26 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ વધે અને આધુનિક કૃષિ પદ્ધતિઓનો વ્યાપક સ્વીકાર થાય તે હેતુથી ભુજ સ્થિત મુક્તજીવનસ્વામી બાપ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્ય
ભચાઉ ખાતે પ્રાકૃતિક ખેતીનો વર્કશોપ


ભચાઉ ખાતે પ્રાકૃતિક ખેતીનો વર્કશોપ


કચ્છ, 26 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ વધે અને આધુનિક કૃષિ પદ્ધતિઓનો વ્યાપક સ્વીકાર થાય તે હેતુથી ભુજ સ્થિત મુક્તજીવનસ્વામી બાપ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતા મેળવનાર ખેડૂતો દ્વારા વિવિધ કૃષિ પેદાશોનું પ્રદર્શન યોજાયું હતું. સાથે જ કૃષિ અને ગ્રામ વિકાસ સાથે સંકળાયેલા વિવિધ વિભાગોએ માહિતીપ્રદ સ્ટોલ ઉભા કરી ખેડૂતોને નવી યોજનાઓ, ટેકનોલોજી અને ખેતીની અદ્યતન પદ્ધતિઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યશાળામાં વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉએ પણ સક્રિય ભાગ ભજવ્યો હતો. કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. યોગેશ રાઠવા, સિનિયર રિસર્ચ ફેલો રાજ પરવાડિયા તેમજ ખેતી મદદનીશ જશપાલસિંહ ડાભી ઉપસ્થિત રહી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને અન્ય મુલાકાતીઓને સંશોધન કેન્દ્રની વિવિધ કામગીરી અને કૃષિ ક્ષેત્રે ચાલી રહેલા સંશોધન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ, વૈજ્ઞાનિક અભિગમ, પાક ઉત્પાદન વધારવા માટેની નવી તકનીકો તેમજ જમીનની ઉત્પાદકતા જાળવી રાખવા માટેના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી વિવિધ પાકોની સુધારેલી અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતી બિયારણ જાતોની વિશેષતાઓ સમજાવી ખેડૂતોને તેનો વધુમાં વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યશાળાએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ઉપરાંત ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી તરફ પ્રેરિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કૃષિ ક્ષેત્રે નવીનતા, સંશોધન અને ટકાઉ વિકાસના સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમ ખેડૂતો માટે જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાબિત થયો હતો. ઉપસ્થિત ખેડૂતોને નવી માહિતી, આધુનિક ટેકનોલોજી અને સુધારેલી બિયારણ જાતો અંગે મળેલા માર્ગદર્શનથી ભવિષ્યમાં વધુ ગુણવત્તાસભર અને નફાકારક ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande