
કચ્છ, 26 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે, વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. મિલ્કત સંબંધિત ગુનાઓ, શરીર સંબંધિત ગુનાઓ તેમજ પ્રોહિબિશન કાયદાના વારંવાર ભંગમાં સંડોવાયેલા બે માથાભારે શખ્સોને કચ્છ ઉપરાંત તેની આસપાસના ચાર જિલ્લાઓની હદમાંથી તડીપાર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ચકચાર મચી ગઈ છે.
સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ લાવી શકાય તે માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડે બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસના આધારે તડીપારની દરખાસ્ત તૈયાર કરી સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર સમક્ષ રજૂ કરી હતી.
દરખાસ્તની સમીક્ષા બાદ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે, બંને આરોપીઓને કચ્છ જિલ્લા ઉપરાંત મોરબી, પાટણ, વાવ-થરાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ પોલીસે બંને આરોપીઓને કબજામાં લઈ તડીપારના આદેશનો અમલ કરાવ્યો.
તડીપાર કરાયેલા આરોપીઓમાં, કાર્ગો એકતાનગર ઝૂંપડપટ્ટી, ગાંધીધામનો રહેવાસી દેવેન્દ્ર મહેશભાઈ સોંધરવા (ઉંમર 29 વર્ષ) તથા ગળપાદર સ્થિત બાગેશ્રી ટાઉનશીપની રહેવાસી વિમળાદેવી, પતિ સીતારામ બાવરી (ઉંમર 45 વર્ષ)નો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા મુજબ દેવેન્દ્ર સોંધરવા સામે અગાઉ ખંડણી, ધમકી, મિલ્કત અને શરીર સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે વિમળાદેવી સામે પ્રોહિબિશન કાયદા હેઠળ વર્ષ 2025 અને 2026 દરમિયાન વારંવાર ગુનાઓ નોંધાયા હતા. બંને આરોપીઓનો સતત ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં રાખીને, સમાજમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુસર તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખોરવવાનો પ્રયાસ કરનાર તેમજ અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે આગામી સમયમાં પણ આવી જ કડક અને કાયદેસરની કાર્યવાહી યથાવત્ ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar