
કચ્છ, 26 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર હથિયારો સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનને વધુ એક સફળતા મળી છે. આડેસર પોલીસે પલાસવા ગામની જાગસી સીમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક બોલેરો કેમ્પરની તપાસ કરી તેમાં છુપાવી રાખવામાં આવેલી દેશી હાથ બનાવટની બંદુક જપ્ત કરી બે શખ્સોને કાયદાના સકંજામાં લીધા છે. સમગ્ર મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્ય અને તેમની ટીમ સતત પેટ્રોલિંગ તથા બાતમીના આધારે કાર્યવાહી કરી રહી હતી.
આ દરમિયાન પોલીસ ટીમ પલાસવાથી માખેલ તરફ જતાં કાચા માર્ગ પર પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી GJ-12-AK-8481 નંબરની બોલેરો કેમ્પરને રોકી તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાહનની વચ્ચેની સીટમાંથી ગેરકાયદેસર રાખવામાં આવેલી દેશી હાથ બનાવટની બંદુક મળી આવી હતી. જેના પગલે વાહનમાં સવાર બંને વ્યક્તિઓને સ્થળ પર જ કાબૂમાં લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં આડેસરના રહેવાસી 41 વર્ષીય અકબર અયુબ હિંગોરજા અને વિજાપર ગામના 45 વર્ષીય નજરમામદ ઇસ્માઈલ જુસબ હિંગોરજાનો સમાવેશ થાય છે. બંને વિરુદ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને હથિયાર ક્યાંથી મેળવ્યું હતું તેમજ તેનો ઉપયોગ કયા હેતુસર થવાનો હતો તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. 5 હજારની કિંમતની દેશી બનાવટની બંદુક તેમજ આશરે રૂ. 3 લાખની કિંમતની બોલેરો કેમ્પર ગાડી કબજે લીધી છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્યના નેતૃત્વમાં આડેસર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ગેરકાયદેસર હથિયારો સામે પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar