
મહેસાણા, 26 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં આંગણવાડી કક્ષાએ ‘પા પા પગલી’ અભિયાન અંતર્ગત નવપ્રવેશી બાળકોનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શિક્ષણના નવતર પગલાં અને બાળપણના સોનેરી સપનાઓને સાકાર કરવાનો સંકલ્પ વ્યક્ત કરતાં નાના ભૂલકાંઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી અભ્યાસ જીવનની શુભ શરૂઆત કરાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના આંગણે રંગબેરંગી અને આનંદમય વાતાવરણ સર્જાયું હતું. ઉપસ્થિત મહાનુભાવો, આંગણવાડી કાર્યકર બહેનો અને વાલીઓએ બાળકોને શુભેચ્છા પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. બાળકોને ચિત્રપોથી, શૈક્ષણિક સામગ્રી અને અન્ય ઉપયોગી વસ્તુઓથી સજ્જ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાલીઓને બાળશિક્ષણના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ બાળકોના સર્વાંગી વિકાસમાં આંગણવાડીની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આંગણવાડીમાં આનંદમય વાતાવરણ વચ્ચે બાળકો ઉત્સાહપૂર્વક વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયા હતા.
આયોજકોના જણાવ્યા અનુસાર ‘પા પા પગલી’ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોમાં પ્રારંભિક શિક્ષણ પ્રત્યે રસ જાગૃત કરવાનો અને તેમને આનંદદાયક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો છે. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ઉમંગ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.,
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR