
મહેસાણા, 26 જૂન (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ લાંચના કેસમાં કાર્યવાહી કરતાં DILR કચેરીના સર્વેયરને ₹70 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી બાદ, સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર સામે ACBની કડક કાર્યવાહી ફરી ચર્ચામાં આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી સર્વેયર આશિષ પરમારે હિસ્સા દુરસ્તી માટે જમીનની માપણી કરી તેની સીટો સબમિટ કરવાની કામગીરીના બદલામાં ફરિયાદી પાસેથી કુલ ₹1.90 લાખની લાંચની માંગણી કરી હતી. બંને પક્ષ વચ્ચે આ રકમની ડીલ નક્કી થઈ હતી, જેમાં પ્રથમ હપ્તા તરીકે ₹70 હજાર ચૂકવવાના હતા.
ફરિયાદીએ આ અંગે ગાંધીનગર ACBનો સંપર્ક કરતાં અધિકારીઓએ, ફરિયાદની ચકાસણી કરી મહેસાણા કોર્ટ કેમ્પસમાં આવેલા નાસ્તા હાઉસ ખાતે છટકું ગોઠવ્યું હતું. પૂર્વ આયોજન મુજબ આરોપી સર્વેયરે ફરિયાદી પાસેથી ₹70 હજારની લાંચ સ્વીકારતાં જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.
આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ACB અધિકારીઓ સમગ્ર મામલે લાંચની માંગણી અને અન્ય સંડોવણી અંગે પણ તપાસ કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR