
મહેસાણા, 26 જૂન (હિ.સ.) : મહેસાણા પોલીસની પેરોલ-ફર્લો સ્કોડે 6 માસની સાદી કેદની સજા પામ્યા બાદ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ સજા ભોગવવા માટે મહેસાણા સબ જેલમાં મોકલી આપ્યો છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો સ્કોડના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન ASI નરેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે વિસનગર કોર્ટના ફોજદારી કેસ નં. 1643/2023માં 6 માસની સાદી કેદની સજા પામેલા અને સજા વોરંટ હેઠળ ફરાર પ્રજાપતી સુરેશ મોહનભાઈ, રહે. બાસણા પ્રજાપતીવાસ, પોતાના ઘરે હાજર હોવાનું જાણવા મળ્યું હતું.
બાતમીના આધારે પેરોલ-ફર્લો સ્કોડે તા. 26 જૂન, 2026ના રોજ સવારે કાર્યવાહી કરી આરોપીને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને વધુ સજા ભોગવવા માટે મહેસાણા સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કામગીરીમાં PSI કે.જી. ચૌધરી, ASI ચેતનકુમાર, ASI નરેન્દ્રસિંહ, ASI અનિરુદ્ધ રમણલાલ તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર સહિતની પેરોલ-ફર્લો સ્કોડની ટીમ જોડાઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR