
- દાદાની આંગળી પકડી જતી જીયાનનો સાવજે શિકાર કર્યો
અમરેલી/અમદાવાદ,26 જૂન (હિ.સ.) અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં દાદા સાથે જઈ રહેલા માસૂમ બાળક પર સિંહે ઘાતક હુમલો કરી મોતને ઘાટ ઉતારતા સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી વન મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના ઉચ્ચ અધિકારીઓએ પીડિત પરિવારની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.સ્વ. જીયાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
માનવ અને વન્યજીવ વચ્ચેનો સંઘર્ષ અટકાવવા માટે સરકાર ટૂંક સમયમાં એક ખાસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અમલમાં લાવશે, તેમ વનમંત્રીએ જણાવ્યું હતું. બીજી તરફ વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને ઘટનાસ્થળની આસપાસથી 5 સિંહોને પાંજરે પૂર્યા છે. અર્જુન મોઢવાડિયાએ ગ્રામજનો અને આગેવાનો સાથે વનવિભાગને લગતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી, તેમજ ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી. તેમજ ઘટતું કરવાની વન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
ઘટનાની ગંભીરતાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેલિફોનિક વાતચીત દ્વારા ચિંતા વ્યક્ત કરી વનમંત્રીને તાકીદે સ્થળની મુલાકાત લેવા સૂચના આપી હતી. જેના આધારે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડિયા, પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર તેમજ ગાંધીનગરના PCCF જયપાલ સિંહ, જૂનાગઢના CF રામ રતન નાલા અને DCF વિકાસ યાદવ સહિતના સિનિયર અધિકારીઓ ચતુરી ગામે દોડી આવ્યા હતા. આ નેતાઓ અને અધિકારીઓએ શોકાતુર પરિવારની મુલાકાત લઈને તેમને સાંત્વના આપી હતી.
વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સિંહ ક્યારેય માણસ પર હુમલો કરતો નથી, તેથી આ એક અત્યંત અસ્વાભાવિક ઘટના છે. સિંહોના સ્વભાવમાં આવી રહેલા આ પરિવર્તનના કારણો જાણવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ભવિષ્યમાં આવા બનાવો રોકવા માટે લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન કરીને એક મજબૂત SOP બનાવવામાં આવશે. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓને પણ સ્થાનિકોની સુરક્ષા માટે કડક સૂચનાઓ આપી દેવામાં આવીે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ