





પોરબંદર, 26 જૂન (હિ.સ.) : પોરબંદર પંથકમાં સામાજિક, ધાર્મિક અને સેવાકીય ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપતી બી.એલ. જોષી ચેરીટેબલ ટ્રસ્ટ તથા બી.એલ. જોષી બેનીવોલન્ટ ફંડ ટ્રસ્ટ, લંડન દ્વારા ધરમપુર નજીક નિર્માણ પામેલા શ્રી રાજરાજેશ્વરી મહાદેવી, શ્રી ત્રિપુરાસુંદરી માતાજી તેમજ દસ મહાવિદ્યાના ભવ્ય મંદિરમાં ત્રણ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો.
મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય સંત ભાઈશ્રી રમેશભાઈ ઓઝા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંદિર નિર્માણને ધર્મ અને સંસ્કૃતિની અમૂલ્ય સેવા ગણાવી ટ્રસ્ટના સેવાકાર્યોની પ્રશંસા કરી હતી. સમગ્ર મહોત્સવ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર, યજ્ઞ અને વિવિધ ધાર્મિક વિધિઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.મહોત્સવના આચાર્ય તરીકે વિદ્વાન મુકેશભાઈ અત્રિ, તેમના સુપુત્ર ધર્મેશભાઈ અત્રિ તથા 25 જેટલા વિદ્વાન બ્રાહ્મણોની ટીમે વૈદિક વિધિઓ સંપન્ન કરાવી હતી. પ્રસંગે 15 યજ્ઞકુંડોની સ્થાપના કરવામાં આવી હતી અને દેવી-દેવતાઓના વિશિષ્ટ મંડળોની રચના કરી મહાયજ્ઞ યોજાયો હતો. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લંડન (વેમ્બલી) નિવાસી ટ્રસ્ટના મુખ્ય દાતા ભાનુશંકર લીલાધરભાઈ જોષીના પરિવારજનો સહિત અનેક મહાનુભાવો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી. ઉપરાંત ભારવાળા, ગોરાણા, કુછડી અને ધરમપુર ગામોની બ્રહ્મપુરી તેમજ બ્રહ્મભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.બી.એલ. જોષી ટ્રસ્ટ દ્વારા પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી 35થી વધુ ભવ્ય અને દિવ્ય મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ધરમપુર નજીકનું આ નવું મંદિર પણ આ શ્રેણીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બન્યું છે. ટ્રસ્ટે આગામી સમયમાં શુભ મુહૂર્તમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજી દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંદિરને લોકાર્પણ કરવાની જાહેરાત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya