



પોરબંદર, 26 જૂન (હિ.સ.)રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બીજા દિવસે પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરાએ જિલ્લાના છત્રાવા અને કાસાબડ ગામોની શાળાઓમાં ઉપસ્થિત રહી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજ પરિવર્તનનું સૌથી મોટું અને સશક્ત પરિબળ છે. આ પરિબળને વધુ મજબૂત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. ત્યારથી રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધી છે.
વધુમાં તેમણે કન્યા કેળવણી વાત કરતા જણાવ્યું હતું કે
દીકરીઓ માટે સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવામાં ખૂબ જ મદદરૂપ બની રહી છે.
જિલ્લા પંચાયત પ્રમુખએ વાલીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે બાળકોને મોબાઇલના અતિરેક ઉપયોગથી દૂર રાખી રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી તેમનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત થઈ શકે.
તેમણે છત્રાવા પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શાળા,આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરાંત, છત્રાવા હાઈસ્કૂલમાં ધોરણ-9 અને ધોરણ-11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમને નિયમિત અભ્યાસ અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા પ્રેરિત કર્યા હતા.ત્યારબાદ તેમણે કાસાબડ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ પ્રાથમિક શાળા, આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કિટ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો આ ઉપરાંત શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ વધે તે હેતુથી ટ્રાફિકના વિવિધ નિયમોનું પાલન કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, સરપંચ, શિક્ષકો, ગ્રામજનો, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી પ્રવેશોત્સવને સફળ બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya