
પોરબંદર, 26 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ભોગાત ગામ નજીક રોડ અકસ્માત બાદ કારનો પીછો કરી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ફરિયાદ મુજબ હમીદ આહમદ પોતાના સાથી સાથે કાર (GJ-05-RA-9842) માં ઓખા થી માંગરોળ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ભોગાત ગામ પાસે તેમની કારને ગાય સાથે અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માત બાદ સ્કોર્પિયો (GJ-37-AB-5554)માં આવેલ ચાલક સહિત ત્રણ અજાણ્યા શખ્સોએ ફરિયાદી મો.હુશેન હાસમભાઈ બોબોડાની કારનો પીછો કર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીની કાર પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને ડાબા પગમાં ઈજા પહોંચી હતી અને એક ટાંકો આવ્યો હતો, જ્યારે સાહેદ હમીદને જમણા ગાલ પર ગંભીર ઈજા થતાં સાત ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત આરોપીઓએ કારમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે ફરિયાદના આધારે સ્કોર્પિયોના ચાલક તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya