
પોરબંદર, 26 જૂન (હિ.સ.) : પોરબંદરમાં નશીલા પદાર્થોના વેચાણ અને વહેંચાણ કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. તેના ભાગરૂપે કીર્તિમંદિર પોલીસે લકડીબંદર વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરી એક શખ્સને સુકા ગાંજા સાથે ઝડપી પાડ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં નિજામ ઉર્ફે એજાજ મનાફ ઉર્ફે મુનીયાબાપુ બુખારી નામના શખ્સને અટકાયત કરવામાં આવ્યો હતો. તેની પાસેથી 76 ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.3,800 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે આરોપી પાસેથી ગાંજો કબ્જે કરી તેની સામે એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત, આરોપી આ નશીલો પદાર્થ ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં નશીલા પદાર્થોના વધતા દુષણને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. નશીલા પદાર્થોના વેપારમાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે તેમ પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya