

કચ્છ, 27 જૂન (હિ.સ.) : દેશના પછાત અને વિકાસલક્ષી વિસ્તારોને મુખ્ય પ્રવાહ સાથે જોડવાના ઉદ્દેશ્યથી નીતિ આયોગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ અંતર્ગત કચ્છ જિલ્લાના રાપર અને લખપત તાલુકામાં ચાલી રહેલા વિકાસકાર્યોની હવે ઉચ્ચ સ્તરે સમીક્ષા થવા જઈ રહી છે. આ હેતુસર કાર્યક્રમ માટે નિયુક્ત કેન્દ્રીય પ્રભારી અધિકારી (Central Prabhari Officer) તેમજ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી શેખ અમીનખાન (IRS-C&IT: 2011) 26 થી 28 જૂન, 2025 દરમિયાન કચ્છ જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસે રહેશે.
આ મુલાકાત દરમિયાન શ્રી શેખ અમીનખાન રાપર અને લખપત તાલુકામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની અમલવારીની સ્થળ પર જઈને સમીક્ષા કરશે. ખાસ કરીને નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળ નક્કી કરાયેલા 39 મુખ્ય કામગીરી સૂચકો (Key Performance Indicators - KPIs) સામે બંને બ્લોકોએ કેટલી પ્રગતિ હાંસલ કરી છે તેની વિગતવાર ચકાસણી કરવામાં આવશે.
પ્રવાસ દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાશે, જેમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ, પીવાના પાણી, મૂળભૂત સુવિધાઓ, નાણાકીય સમાવેશ, સામાજિક કલ્યાણ અને અન્ય વિકાસલક્ષી ક્ષેત્રોમાં થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરી યોજનાઓનો વાસ્તવિક લાભ લોકો સુધી કેટલો પહોંચ્યો છે તેની પણ માહિતી મેળવવામાં આવશે.
કેન્દ્રીય પ્રભારી અધિકારી વિવિધ ગામોની મુલાકાત લઈ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું સ્થળ નિરીક્ષણ કરશે અને અમલીકરણમાં જો કોઈ ખામીઓ કે પડકારો જણાશે તો સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપશે. કેન્દ્ર સરકારના પ્રતિનિધિ દ્વારા થનારી આ સમીક્ષા આગામી સમયમાં બંને આકાંક્ષી બ્લોકોમાં વિકાસકાર્યોને વધુ ગતિ આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નીતિ આયોગનો ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ દેશના વિકાસથી વંચિત વિસ્તારોમાં જીવનસ્તર સુધારવા, સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા અને સ્થાનિક સ્તરે સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે અમલમાં મૂકવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના રાપર અને લખપત બ્લોક માટે યોજાનારી આ ઉચ્ચસ્તરીય મુલાકાત વિકાસની દિશામાં મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar