


પોરબંદર, 27 જૂન (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા સભાખંડમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ 2026 અંતર્ગત કચરાના સેગ્રીગેશન અંગે તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવા ઘનકચરા વ્યવસ્થાપન નિયમો-2026 તથા સુપ્રીમ કોર્ટના હુકમોને ધ્યાનમાં રાખીને ચૂંટાયેલા કોર્પોરેટરઓ માટે આ વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશન, સીઆરડીએફ તથા સીઈપીટી યુનિવર્સિટીની ટીમ દ્વારા ઘનકચરા વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સીઈપીટી યુનિવર્સિટીના ધ્વની શાહ, સોબિયા સરેશવાલા અને કરણ પાટીલ દ્વારા નવા એસ.ડબ્લ્યુ.એમ. નિયમો હેઠળ કોર્પોરેટરઓની ભૂમિકા, જવાબદારીઓ તથા શહેરમાં અસરકારક ઘનકચરા વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને કચરાના સેગ્રીગેશન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તાલીમ દરમિયાન સભાખંડમાં ચાર પ્રકારના ડસ્ટબિન સાથે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કયા પ્રકારનો કચરો કઈ ડસ્ટબિનમાં નિકાલ કરવો તેની વિગતવાર સમજ આપવામાં આવી હતી. સાથે સાથે કોર્પોરેટરઓને તેમના વોર્ડ વિસ્તારમાં નાગરિકોમાં કચરાના સેગ્રીગેશન અંગે જાગૃતિ ફેલાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી શહેરમાં સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવી શકાય. મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા ખાસ કરીને કોર્પોરેટરઓને પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની બેગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી જેથી પ્લાસ્ટિક મુક્ત શહેર તરફ આગળ વધી શકાય.
આ તાલીમ કાર્યક્રમમાં પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, કોર્પોરેટરઓ, સેનિટેશન શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya